છેલ્લાં 11 વર્ષથી સેવા બજાવી રહેલાં આચાર્ય નિવૃત્ત થતાં વિદાય સમારંભમાં ભાવુક દ્રશ્યો સર્જાયા

છેલ્લાં 11 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલાં કર્મનિષ્ઠ અને કર્મયોગી HTAT આચાર્ય નિવૃત્ત થતાં તેમનાં વિદાય સમારંભમાં ભાવુક દ્રશ્યો સર્જાયા-કીમ પ્રાથમિક શાળાનાં કર્મનિષ્ઠ અને કર્મયોગી આચાર્ય દિનેશચંદ્ર પટેલનો વિદાય સમારંભ યોજાયો
સુરત, ઓલપાડ તાલુકાનાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કીમ પ્રાથમિક શાળામાં છેલ્લાં 28 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલાં આચાર્ય દિનેશચંદ્ર પટેલ વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ અત્રેની શાળાનાં પટાંગણમાં યોજવામાં આવ્યો હતો.
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમારંભમાં ગામનાં સરપંચ પ્રવિણભાઈ પટેલ, ઉપસરપંચ મનોજભાઈ શાહ, પંચાયત સભ્ય દિવ્યેશભાઈ પટેલ, બીટ નિરીક્ષક નગીનભાઈ પટેલ,
બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, ઉપપ્રમુખ સતિષભાઈ પરમાર તથા સંઘનાં હોદેદારો, ટીચર્સ કો-ઓપરેટીવ સોસાયટીનાં સેક્રેટરી મહેશભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટનાં પ્રમુખ નાગરભાઈ લાડ, કીમ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં શિક્ષક ભાઈ-બહેનો, કીમનાં સીઆરસી અશોક પટેલ, મુળદનાં સીઆરસી રેશ્મા પટેલ સહિત દિનેશચંદ્રનાં પરિવારજનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રારંભે કેન્દ્રાચાર્ય પુષ્પાબેન રાવળે સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં શિક્ષણ કાર્ય સાથે શાળાનું નામ તાલુકા તથા જિલ્લા કક્ષાએ રોશન કરવામાં દિનેશચંદ્રનો સિંહ ફાળો રહ્યો છે. શાળાનાં બાળકોનાં ઉપચારાત્મક કાર્ય, બાહ્ય પરીક્ષાઓની તૈયારી, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવાં વિવિધ પાસાઓની ચિંતા તેઓ હરહંમેશ રાખતાં હતાં.
પોતાની ફરજને પ્રભુકાર્ય સમજી 11 વર્ષ સુધી એકધારી સેવા તેમણે આ શાળામાં આપી સાચા અર્થમાં પોતાનું શિક્ષકત્વ ઉજાગર કર્યું.
સંપૂર્ણપણે શાળાને સમર્પિત એવાં આ આચાર્યનાં વિદાય પ્રસંગે શાળા પરિવારે તેમને શાલ ઓઢાડી સન્માનપત્ર તથા મોમેન્ટો અર્પણ કરી ભારે હૃદયે વિદાય આપી હતી. સમારંભનાં અધ્યક્ષ કિરીટભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં દિનેશચંદ્રની ફરજ પ્રત્યેની પ્રતિબધ્ધતા તેમજ વહીવટી કુશળતાને બિરદાવી હતી. પોતાનાં પ્રતિભાવ વેળા દિનેશચંદ્ર શાળાનાં બાળકો, શિક્ષકગણ, સંઘ પરિવાર, મિત્રમંડળ તથા શુભેચ્છકો પ્રતિ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતાં ભાવવિભોર થયા હતાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં રીટાબેન ખેર તથા સતિષભાઈ પરમારે કર્યુ હતું. અંતમાં શાળાનાં ઉપશિક્ષિકા મૃણાલિનીબેન પટેલે ઉપસ્થિત સૌ નામી અનામીનો આભાર વ્યક્ત કર્યો હતો.