ભારતે ૧૭ વર્ષે સદોષ માનવવધના આરોપીની અમેરિકાને સોંપણી કરી

ન્યૂયોર્ક, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફથી લઈને ઈમિગ્રેશન સહિતની આક્રમક નીતિઓને કારણે ભારત સાથેના સંબંધોમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યાં છે. બંને દેશો વચ્ચેના તંગ રાજદ્વારી સંબંધો વચ્ચે ભારતે ૧૭ વર્ષના લાંબાગાળા બાદ અમેરિકા સાથે પ્રત્યાર્પણની પ્રક્રિયા ફરીથી શરૂ કરી છે.
પ્રત્યાર્પણની આ પ્રક્રિયા હેઠળ ભારતે, અમેરિકામાં ફોજદારી ગુનામાં વોન્ટેડ એક ભારતીય આરોપીને તાજેતરમાં અમેરિકાને સોંપ્યો છે. અમેરિકાની નાસાઉ કાઉન્ટીના વકીલની કચેરીએ જણાવ્યું હતું કે, ૨૦ વર્ષ અગાઉ અમેરિકામાં એક કાર અકસ્માતમાં ૪૪ વર્ષના શખ્સનું મોત નિપજાવી ભારત નાસી છૂટેલાં ગણેશ શિનોયને પ્રત્યાર્પણની પ્રક્રિયા હેઠળ અમેરિકા પરત લવાયો છે.
ભારત અને અમેરિકા વચ્ચે ૧૯૯૭માં પ્રત્યાર્પણની સંધિ પર હસ્તાક્ષર કરાયાં હતાં. કચેરીના અધિકારી એની ડોનેલીએ જણાવ્યું હતું કે, મુંબઈ સ્થિત અમેરિકન માર્શલ સર્વિસે આશરે બે દાયકાથી કાયદાને થાપ આપનારા અપરાધીની કસ્ટડી લઈ તેને અમેરિકા મોકલી આપ્યો હતો. શિનોયને શુક્રવારે અમેરિકાની સ્થાનિક કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો, જજે તેને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યાે હતો.
કેસની વિગતો અનુસાર, ૨૦૦૫ની સાલમાં ન્યૂયોર્ક શહેરના પરાં વિસ્તાર હિક્સવિલેમાં પૂરઝડપે કાર ચલાવી રહેલાં ગણેશ શિનોયની કારની ટક્કરથી ફિલિપ મેસ્ટ્રોપોલોનું મોત નિપજ્યું હતું. ઘટના બાદ શિનોય અમેરિકાથી ભાગીને મુંબઈ આવી ગયો હતો. તેની વિરુદ્ધ સદોષ માનવધનો ગુનો નોંધાયો હતો.SS1MS