Western Times News

Gujarati News

રાજકોટમાં તરુણી પર રેપ કેસમાં ફિલ્મ અભિનેતા જયેશ ઠાકોરની ધરપકડ

રાજકોટ, રાજકોટમાં રહેતા ફિલ્મ અભિનેતા, ડાયરેક્ટર અને કોળી ઠાકોર સમાજના પ્રમુખ જયેશ હંસરાજ ઠાકોરે (ઉં.વ. આશરે ૪૦) એક ૧૫ વર્ષની તરુણી પર અવારનવાર દુષ્કર્મ આચરતા યુનિવર્સિટી પોલીસે દુષ્કર્મ, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

ફિલ્મમાં હીરોઇનનો રોલ અપાવવાનું કહી સાધૂ વાસવાણી રોડ પરની ઓફિસ અને રેલનગરમાં આવેલા ફ્લેટમાં સગીરાને બોલાવી તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો.

પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આશરે બે વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર ગુજરાતી ફિલ્મમાં કલાકાર બનવા માટેની ઓડિશનની જાહેરાત જોઈ તે તેની માતા સાથે જયેશ ઠાકોરની ઓફિસે ઓડિશન આપવા ગઈ હતી. ત્યારથી તેમની ઓળખાણ થઈ હતી. અભિનેતાએ રોલ આપવાની લાલચ આપી પ્રેક્ટિસના બહાને બોલાવવાનું શરૂ કર્યું હતું.

પ્રેક્ટિસ માટે જતી વખતે આરોપીએ મૂવીમાં કામ કરવા માટે શરીર સ્પર્શના દ્રશ્યો આપવા પડશે તેમ કહી તેની સાથે દુષ્કર્મ શરૂ કર્યું હતું. ફરિયાદ મુજબ, જયેશ ઠાકોર ખાણીપીણીની વસ્તુઓ ખવડાવતો અને તરત જ તે અર્ધબેભાન થઈ જતી, જેનો લાભ લઈને તે હવસ સંતોષતો હતો.

તે સગીરાને ધમકી આપતો કે જો કોઈને વાત કરીશ તો મૂવીમાં રોલ નહીં મળે.અભિનેતાએ દોઢેક વર્ષના સમયગાળા દરમિયાન તેની ઓફિસ અને ફ્લેટમાં અવારનવાર ઘેની પીણું પીવડાવી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો.

અગાઉ સગીરા ઘરેથી ગુમ થઈ ત્યારે તેની માતાએ જેને ભાઈ માન્યો હતો તે જયેશ ઠાકોર પાસે મદદ માટે પહોંચી હતી અને આરોપી યુનિવર્સિટી પોલીસ મથકે રોફ જમાવતો હતો. જોકે, પોલીસે સગીરાને શોધી કાઢી અને તેની હિંમતથી જયેશ ઠાકોર સામે ગુનો નોંધાયો હતો.

જયેશ ઠાકોર અગાઉ વાહન ચોરી અને જમીન પચાવી પાડવાના કેસોમાં પણ સંડોવાયેલો હતો. આરોપી જયેશ ઠાકોરની ગણતરીની કલાકોમાં ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.