પ્રેમ સંબંધમાં નડતરરૂપ ૩ વર્ષીય પુત્રની હત્યા કરનારી માતા, પ્રેમીને આજીવન કેદ

અમદાવાદ, પ્રેમ સંબંધમાં નડતરરૂપ ત્રણ વર્ષના પુત્રની હત્યા કરનારી માતા અને તેના પ્રેમીને પ્રિન્સિપાલ જજ હેમાંગ આર. રાવલે ગુનેગાર ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યુ હતું કે, દૂધમાં બિસ્કિટ સાથે ક્લોરપાયરીફોર્સ નામના ઓર્ગેનોફોસ્ફરસ પ્રકારનું રાસાયણિક ઝેર મિલાવી બાળકને પીવડાવીને મોત નિપજાવ્યાનું પુરવાર થયું છે.
હાલમાં દિન-પ્રતિદિન સાપરાધ મનુષ્યવધના બનાવોમાં વધારો થયો છે. પ્રસ્તુત કેસ રેરેસ્ટ ઓફ રેરના વ્યાપમાં આવતો ન હોય આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવે છે. નરોડા શ્રીજી ટોલનાકાની સામે રતિલાલની ચાલીમાં રહેતા અજય પરમારના લગ્ન જ્યોતિબેન સાથે થયા હતા અને તેમને એક ત્રણ વર્ષનો દીકરો યુવી હતો.
જ્યોતિ પરમારને પાલનપુરમાં રહેતા ભૂપેન્દ્ર ઉર્ફે ભરત પરમાર સાથે પ્રેમ સંબંધ હતો. જેની જાણ અજયને થતા સમાજના આગેવાનો સાથે રાખીને સમાધાન કર્યું હતું. ૬ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ જ્યોતિ તેના દીકરા યુવીને તાવ આવતો હોય સિવિલ બતાવવા જવું છે તેમ કહીને ગઈ હતી. ચાર વાગ્યાની આસપાસ દીકરા યુવીને લઈને જ્યોતિ ઘરે આવી હતી તે વખતે યુવી કંઈ બોલતો નહોતો.
જેથી તાકીદે શારદાબેન હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં યુવીને આઈસીયુમાં બેભાન આવસ્થામાં હતો અને ૮ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ મૃત્યુ પામ્યો હતો. ડોક્ટરોએ કહ્યું કે, બાળકનું મોત ઝેરના લીધે થયું છે. આ પછી ઘરના સભ્યોએ જ્યોતિને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું હતું કે, ૬ ઓગસ્ટે ભરત પરમારનો ફોન આવતા યુવીને લઈને સિવિલ ગઈ હતી.
જ્યાં નજીકમાં નાગેશ્વર ગેસ્ટ હાઉસમાં રોકયા હતા. તે વખતે ભરત પરમારે યુવી કાંટાની જેમ ખુચતો હોય એક ગ્લાસમાં દૂધ અને બિસ્કિટ લઈ આવી તેમાં ઝેર મીલાવી યુવીને પીડવાડી દીધું હતું. અજય પરમારે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ભરત ઉર્ફે ભૂપેન્દ્ર પરમાર અને જ્યોતિની ધરપકડ કરીને કોર્ટમાં કેસ મૂકયો હતો.
આ કેસ ચાલતા અધિક સરકારી વકીલ ભાવેશ એસ. પટેલે પૂરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીઓએ હત્યા કરી હોવાના કેસને સમર્થન મળે છે, કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે સમાજમાં દાખલો બેસાડવા માટે મહત્તમ સજા કરવી જરૂરી છે.
પ્રસ્તુત કેસ રેરેસ્ટ ઓફ રેરમાં આવતો હોય ફાંસીની સજા કરવી જોઈએ. ત્યારબાદ કોર્ટે જ્યોતિ અને ભૂપેન્દ્રને આજીવન કેદની સજા ફટકારી જેલમાં મોકલી આપ્યા છે.SS1MS