Western Times News

Gujarati News

ટ્રમ્પે ડેમોક્રેટ્‌સ શાસિત રાજ્યોને ફન્ડિંગ રદ કર્યું

મુંબઈ, અમેરિકન પ્રમુખ ટ્રમ્પે શટડાઉનનો ઉપયોગ રાજકીય કિન્નાખોરીની ટોચ કોને કહેવાય તે બતાવવા કરવા માંડયો છે. તેણે ડેમોક્રેટ્‌સ શાસિત રાજ્યોમાં મંજૂર પ્રોજેક્ટ્‌સને ભંડોળ ફાળવણી ધડાધડ રદ કરવા માંડી છે. તેમા ન્યૂયોર્કમાં રેલ્વે ટનલનો ૧૮ અબજ ડોલરનો પ્રોજેક્ટ છે અને ડેમોક્રેટ્‌સ શાસિત રાજ્યોમાં ૮ અબજ ડોલરના ગ્રીન એનર્જી પ્રોજેક્ટસને મળતું ફંડિંગ છે.

ટ્રમ્પના આ પગલાંના કારણે ડેમોક્રેટ્‌સે દેકારો મચાવી મૂક્યો છે. વિપક્ષના નેતા ચક શુમરે જણાવ્યું હતું કે ન્યૂયોર્ક શહેરમાં અત્યંત મહત્ત્વની એવી રેલ્વે ટનલના પ્રોજેક્ટને અટકાવવો તે રીતસરની મૂર્ખામી છે.

આ પ્રોજેક્ટ હજારો નોકરીઓનું સર્જન કરે છે અને તેની સાથે પ્રાદેશિક અને દેશની ઇકોનોમી માટે આ પ્રોજેક્ટ ઘણો મહત્ત્વનો છે. આટલેથી જ ન અટકતા ડેમોક્રેટ્‌સ શાસિત રાજ્યોમાં ટ્રમ્પે આઠ અબજ ડોલરના ગ્રીન પ્રોજેક્ટ અટકાવી દીધા છે. આના લીધે ક્લાઇમેટ ચેન્જને પહોંચી વળવાન અમેરિકાના પ્રયત્નોને ફટકો પડે તેમ છે.

આમ ટ્રમ્પ વહીવટીતંત્ર સરકારના નાણાકીય સ્ત્રોત પર તેમના અંકુશનો ઉપયોગ ડેમોક્રેટ્‌સ પર શટડાઉન ખોલવા માટે દબાણ લાવવા કરી રહી છે.અમેરિકામાં હડસન નદીની નીચે આકાર લેનારી રેલ્વે ટનલનું બાંધકામ હંમેશા રાજકારણ અને ફંડિંગની મુશ્કેલીનો ભોગ બનતું રહ્યું છે. આ ટનલના લીધે ન્યૂયોર્ક અને ન્યૂજર્સીને જોડતી ૧૧૦ વર્ષ જૂની ટનલ પરનું ભારણ ઓછું થશે.

નવી ટનલ બનાવવામાં જેટલો વિલંબ થશે તેટલું જ નવી ટનલ પર ભારણ વધતું જશે. શટડાઉનને લઈને રિપબ્લિકન અને ડેમોક્રેટ્‌સ બંને પક્ષોએ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલુ રાખ્યો હતો. ટ્રમ્પ તંત્રનો આક્ષેપ હતો કે ડેમોક્રેટ્‌સ દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલાઓને પણ ઓબામા કેર વડે મફત આરોગ્ય સેવા ચાલુ રાખવા માંગે છે.

જ્યારે ટોચના ડેમોક્રેટ્‌સે આ વાતનો પ્રતિકાર કરતાં જણાવ્યું હતું કે એફોર્ડેબલ કેર એક્ટ હેઠળ ફક્ત સબસિડી રીન્યુ જ કરવાની છે, જેથી આખા દેશમાં પથરાયેલા અમેરિકન કુટુંબોના વીમા પ્રીમિયમમાં વધારો ન થાય. રિપબ્લિકનોએ તો જણાવ્યું હતું કે શટડાઉનના કારણે અમારે છટણી કરે તો તે જવાબદારી ડેમોક્રેટ્‌સની રહેશે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ટેરિફ નાખીને જે કમાયા તે શટડાઉનમાં ગુમાવે તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. શટડાઉનના કારણ અમેરિકન અર્થતંત્રને રોજનું ૪૦ કરોડ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. તેથી શટડાઉન પૂરુ થવાની સાથે ટ્રમ્પે સહાય પેકેજ જાહેર કરવા પડે તેવી પૂરેપૂરી સંભાવના છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ માટે શટડાઉન વધુ કપરા દિવસો લાવી શકે છે.

તેના કારણે ટ્રમ્પને ટેરિફ નાખવાના કારણે થયેલી કમાણી શટડાઉનમાં ધોવાઈ જાય તેમ મનાય છે. અમેરિકાએ ગયા વર્ષે પહેલી ઓક્ટોબરથી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન કુલ ૧૬૫ અબજ ડોલર વિવિધ વેરા પેટે એકત્રિત કર્યા છે. તેની તુલનાએ અગાઉના વર્ષમાં આ રકમ ૭૦ અબજ ડોલર હતી.

આમ ટેરિફના કારણે અમેરિકન અર્થતંત્રને ખાસ્સી આવક થઈ છે.હવે આ જ અમેરિકન અર્થતંત્ર હવે શટડાઉનનો માર ઝીલી રહ્યુ છે. શટડાઉનના કારણે સરકારના વિવિધ વિભાગોમાં ખર્ચ અટકી જતાં આખી ખર્ચાની ચેઇન અટકી જશે.

તેની સીધી અસર ગ્રાહક ખર્ચ પર વર્તાશે અને ગ્રાહક ખર્ચ પણ ઘટશે. આ બધાની વિપરીત અસર છેલ્લે અમેરિકાની જીડીપી પર પડવાની છે. બજેટ પાસ ન થવાના કારણે સરકારી એજન્સીઓને રુપિયા મળતા નથી અને તેથી બધું અટકી જાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.