આગ્રામાં મૂર્તિ વિસર્જન દરમિયાન કરૂણાંતિકા, નદીમાં ૧૪ લોકો ડૂબ્યા

આગ્રા, ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના ખેરાગઢમાં આવેલી ઉટંગન નદીમાં ગુરુવારે મા દુર્ગાની મૂર્તિ વિસર્જન કરવા આવેલા કુશિયાપુર ડૂગરવાલા ગામના ૧૪ યુવકો ઊંડા પાણીમાં ડૂબી જતાં અફરાતફરી મચી ગઈ હતી.
ગ્રામજનોએ ભારે જહેમત બાદ એક યુવક વિષ્ણુને બચાવી લીધો હતો. આશરે દોઢ કલાક બાદ પોલીસની મદદથી ત્રણ યુવકો ઓમપાલ, મનોજ અને ગગનના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખવા છતાં બાકીના ૧૦ લોકોનો પત્તો લાગ્યો નહોતો, જેમાં ૫ સગીરોનો સમાવેશ થાય છે.ઘટનાની જાણ થતાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને ડીસીપી પશ્ચિમી ઝોન ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યાે હતો કે નદી પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી અને જો પોલીસ તૈનાત હોત તો આ અકસ્માત ટાળી શકાયો હોત.
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (જીડ્ઢઇહ્લ)ની ટીમ સમયસર ન પહોંચતાં ગુસ્સે ભરાયેલા લોકોએ જામ લગાવી દીધો હતો. જોકે, પોલીસ અધિકારીઓએ સમજાવટ કરતાં ૨ કલાક બાદ ગ્રામજનો શાંત પડ્યા હતા.આ દુર્ઘટના બપોરે ૧ વાગ્યાની આસપાસ સર્જાઇ હતી.
ખેરાગઢના કુસિયાપુર ગામમાં ચામડ માતાના મંદિર પાસે નવરાત્રીમાં મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. દશેરાના દિવસે મૂર્તિ વિસર્જન માટે ગામના ૪૦-૫૦ જેટલા પુરુષો, મહિલાઓ અને બાળકો ઉટંગન નદી પાસે પહોંચ્યા હતા.
વિષ્ણુ (૨૦), ઓમપાલ (૨૫), ગગન (૨૪), હરેશ ૨૦), અભિષેક (૧૭), ભગવતી (૨૨), ઓકે (૧૬), સચિન પુત્ર રામવીર (૨૬), સચિન પુત્ર ઊના (૧૭), ગજેન્દ્ર (૧૭) અને દીપક (૧૫) સહિત ૧૪ યુવકો ઊંડા પાણીમાં ગયા હતા.ગ્રામજનોના જણાવ્યા અનુસાર બચાવના કોઈ સાધનો ન હોવાથી શરૂઆતમાં ગ્રામજનો કંઈ કરી શક્યા નહોતા અને લોકો ડૂબવા લાગ્યા હતા.
ત્યારબાદ કેટલાક ગ્રામજનોએ હિંમત કરીને પાણીમાં કૂદીને વિષ્ણુને બહાર કાઢ્યો હતો. તેની ગંભીર હાલત જોતા તેને આગ્રાની એસએન મેડિકલ કોલેજની ઈમરજન્સીમાં રીફર કરવામાં આવ્યો છે.અન્ય યુવકો ડૂબી ગયા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
લગભગ દોઢ કલાક પછી ઓમપાલ અને ગગનને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. નદીમાં ડૂબેલા અન્ય ૧૦ યુવકોની શોધખોળ માટે ૬ કલાક પછી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે પણ ગોતાખોરોની મદદથી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ રાત સુધી કોઈનો પત્તો લાગ્યો નહોતો. આ ઘટનાથી તમામ પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.SS1MS