RBIએ સતત બીજી વખત રેપો રેટ 5.15% પર યથાવત રાખ્યો
નવી દિલ્હી, રિઝર્વ બેંકે ચાવીરૂપ વ્યાજ દર રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈએ ચાલુ નાણાંકીય વર્ષની અંતિમ ધિરાણ નીતિ સમીક્ષા બેઠકમાં રેપો રેટ 5.15 ટકા પર યથાવત રાખ્યો છે. સતત બીજી બેઠકમાં રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે. આરબીઆઈએ આગામી નાણાંકીય વર્ષ (2020-21)માં જીડીપી ગ્રોથ 6 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. રિઝર્વ બેંકને આશંકા છે કે આગામી સમયમાં મોંઘવારી દરમાં ઘટાડો થશે નહીં. મૌદ્રિક નીતિ સમિતિના તમામ 6 સભ્યોએ રેપો રેટમાં કોઇપણ ફેરફાર નહીં કરવાનો પક્ષ લીધો છે. રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, અર્થવ્યવસ્થામાં સુસ્તી યથાવત છે, આર્થિક વિકાસ દર ધારણા કરતા ઓછો છે.
ક્રૂડ ઓઈલની કિંમતોમાં અસ્થિરતાને કારણે દૂધ અને દાળ જેવી વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ મોંઘવારી દરના અંદાજમાં વધારો કર્યો છે. આરબીઆઈએ જણાવ્યું છે કે, ચાલુ ત્રિમાસીકમાં નવા પાક આવવાને કારણે ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ શકે છે.