ભાજપ અને AAP વચ્ચે ગ્રામ સભા તોફાની બની, ખુરશીઓ ઉડી: 3 ઘાયલ

AI Image
ગાંધી જયંતીએ જ હિંસા ઃ અંકલેશ્વરના ધંતુરિયાની ગ્રામસભામાં માથા ફૂટયાં
અંકલેશ્વર, અંકલેશ્વર ધંતુરિયા ગામ ખાતે ગ્રામ સભામાં ખુરશીઓ ઉછળી-માથા ફૂટયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અનુલક્ષી આવેલ પરિપત્ર આધારે જ યોજાયેલ ગ્રામસભામાં સમરાંગણમાં ફેરવાઈ ગઈ હતી જેને લઈ બન્ને પક્ષે મારામારી સુધી વાત પહોંચી હતી. જેમાં આ મારામારી પૂર્વે આયોજિત હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વર તાલુકા ધંતુરિયા ગામ ખાતે બીજી ઓકટોબર ગાંધી જયંતી નિમિત્તે રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તલાટી કમ મંત્રી અને ગામના સરપંચની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ હતી. ગાંધી જયંતી નિમિત્તે વિશેષ યોજાયેલ ગ્રામસભા શરૂ થતાં જ સમરાંગણમાં ફેરવી હતી.
આપ પાર્ટીના કાર્યકરો દ્વારા સભાના આગલા દિવસે જ ગ્રામસભામાં હંગામો કરવાના મેસેજ વાયરલ કર્યો હતો જેને લઈ પંચાયત દ્વારા તાલુકા પોલસ મથકેથી પોલીસ બંદોબસ્તની પણ માગણી કરી હતી.
પોલીસ આવે એ પૂર્વે જ સભા શરૂ થઈ હતી જેમાં હજુ તલાટી કમ મંત્રી બોલવાની શરૂઆત કરતા જ તલાટી ઊભા થઈ બોલવા કહી બોલાચાલી શરૂ કરી અંતે મારામારી સુધી પહોંચી હતી. સભા બોલાચાલી ઉગ્ર બનતા સાથે અભદ્ર ગાળાગાળી શરૂ થઈ હતી જે બાદ અચાનક ખુરશીઓ ઉછળી હતી
અને ત્યારબાદ મારામારી શરૂઆત જ માથા ફૂટયા હતા જેમાં ૩ વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે બન્ને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ તજવીજ શરૂ કરી હતી તો પંચાયત દ્વારા ગ્રામસભાનો હંગામો પૂર્વ આયોજિત હોવાનો આરોપ મૂકી પોલીસમાં પુરાવા સાથે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી.