Western Times News

Gujarati News

હિંમતનગરમાં પોન્ઝી સ્કીમ કૌભાંડ રૂ.૩.૪૨ કરોડથી વધુની ઠગાઈની રાવ

સહકારી જીન રોડ પરની બે ઓફિસ સીલ કરાઈ

કન્સલ્ટન્સીના ત્રણ સંચાલકો સામે ફરિયાદ નોંધાતાં હિંમતનગર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

હિંમતનગર,હિંમતનગરના સહકારી જીન રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં એ.આર. કેપિટલના નામની બોગસ ઓફિસ ખોલીને પોન્ઝી સ્કીમમાં રોકાણ કરાવનાર વ્યકિતઓ દ્વારા રોકાણકર્તાઓ પાસેથી કરોડો રૂપિયાની ડિપોઝીટ રકમ ઉઘરાવીને છેતરપિંડી કરનાર ત્રણ જણા સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે પોન્ઝી સ્કીમના સંચાલકોને ઝડપી લેવા માટે SITની રચના કરી તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો મુજબ, વર્ષ ૨૦૨૨માં અજયસિંહ મકવાણાએ બી.ઝેડમાંથી નોકરી છોડી એ.આર કન્સલ્ટન્સી તથા એ.આર કેપીટલના નામે પોન્ઝી સ્કીમ ચલાવવા માટે અલગથી ઓફિસ શરૂ કરી હતી. તે વખતે તેમની ઓફિસમાં અજયસિંહ મકવાણા તેમના ભાગીદાર તથા પિતા રજુસિંહ લાલસિંહ મકવાણા અને જૂના બળવંતપુરાના વનરાજસિંહ દિલીપસિંહ ઝાલા સાથે બેસતા હતા.

તે સમયગાળા દરમિયાન એ.આર કન્સલ્ટન્સીના ઉદઘાટનમાં પુષ્પરાજસિંહ તથા તેમના ભાઈ રાજવીરસિંહ અને તેમના મિત્ર તથા મહાદેવપુરા ગામના ભૂપેન્દ્રસિંહ અમરસિંહ ચૌહાણ, કેવનના સુરજસિંહ વિક્રમસિંહ રાઠોડ સહિત અન્ય પરિચિતોને ઉદઘાટનમાં બોલાવ્યા હતા. તે વખતે ઉપસ્થિત લોકોને એવું કહેવાયું હતું કે, રોકાણકારોના નાણાં બિટકોઈનમાં રોકવામાં આવશે અને યુ.એસ. ડી.ટીમાં બાયસેલ કરીએ છીએ તેમ કહી રોકાણ કરનારને રાષ્ટ્રીયકૃત બેન્કો કરતાં વધુ વ્યાજ આપવાની લોભામણી લાલચો આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

આ પોન્ઝી સ્કીમોમાં રોકાણકારોને આકર્ષવા માટે સોશિયલ મીડિયા તથા અન્ય માધ્યમો થકી પ્રસાર-પ્રચાર કરવામાં આવતો હતો. જેના લીધે વર્ષ ૨૦૨૨થી ૨૦૨૪ના સમયગાળા દરમિયાન કેટલાક લોકોને લોભામણી લાલચો આપી અંદાજે રૂ. ૩.૪૨ કરોડથી વધુનું રોકાણ કરાવ્યું હતું.સમગ્ર કૌભાંડનો પરપોટો ફૂટી ગયો હતો. જે અંગે પુષ્પરાજસિંહ ભરતસિંહ મકવાણાએ પોન્ઝી સ્કીમ ચલાવતા એ.આર. કન્સલ્ટન્સીના ત્રણ સંચાલકો સામે ફરિયાદ નોંધાવતાં હિંમતનગર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.