બુલેટ લઇને ટીપટોપ થઇ ફરે છે કહી યુવક પર ગુપ્તીથી હુમલો

મેઘાણીનગરનો બનાવ
આ મામલે મેઘાણીનગર પોલીસે ત્રણ સામે ફરિયાદ નોંધી ત્રણેય શખ્સોને પકડવાની કવાયત હાથ ધરી
અમદાવાદ,મેઘાણીનગર વિસ્તારમાં વહેલી પરોઢે બુલેટ પર પસાર થઇ રહેલા યુવકને ત્રણ લુખ્ખાઓએ અટકાવ્યો હતો અને તું તારી બુલેટ પર ટીપટોપ થઇને ફરે છે કહી યુવક પર ગુપ્તીથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. આ મામલે મેઘાણીનગર પોલીસે ત્રણ સામે ફરિયાદ નોંધી તપાસ આદરી છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ૨૧ વર્ષિય રવિન્દ્ર કામેશ્વર યાદવ પરિવાર સાથે રહે છે અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.
૨ ઓક્ટોબરના રોજ સવારે ચાર વાગ્યે રવિન્દ્ર અને તેનો મિત્ર આકાશ તેનું બુલેટ લઇ રામેશ્વર બ્રિજ પાસે ઊભા હતા. ત્યારે ત્યાં સંદિપ ઉર્ફે બંદરા સીકરવાર, વિવેક ઉર્ફે કાલિયા ચૌહાણ અને સુર્યા રાજપૂત આવ્યા હતા. ત્રણેએ રવિન્દ્ર પાસે જઇ કહ્યું હતું કે, તું તારી બુલેટ લઇને બહુ ટીપટોપ થઇને વિસ્તારમાં ફરે છે. ત્યારબાદ તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલાવા લાગ્યા હતા. આ સમયે રવિન્દ્રએ ઝઘડો ન કરી ગાળો ન બોલવા જણાવ્યું હતું. જો કે, તેઓ રવિન્દ્રને માર મારવા લાગ્યા હતા.
આ સમયે સંદિપે પોતાની પાસે રહેલી ગુપ્તી કાઢી હતી અને રવિન્દ્રને માથાના ભાગે મારી દીધી હતી. જેથી તે લોહીલુહાણ થઈ ગયો હતો અને નીચે પટકાયો હતો. આ સમયે બૂમાબૂમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. આ સમયે ત્રણેએ બુલેટને નુકસાન કરી ત્યાંથી ભાગ્યા હતા. બીજી તરફ રવિન્દ્રને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. આ અંગે રવિન્દ્રએ સંદિપ સીકરવાર, વિવેક ઉર્ફે કાલિયા ચૌહાણ અને સુર્યા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી છે.ss1