ઓનલાઈન ગેમિંગ દરમિયાન મારી દીકરી પાસે ન્યૂડ ફોટોઝ મંગાવ્યા’ : અક્ષય

અભિનેતા અક્ષય કુમારે વર્ણવી વ્યથા
અક્ષય કુમારની દીકરી ૧૩ વર્ષની છે ઃ થોડા મહિના અગાઉ વીડિયો ગેમ રમતી વખતે અજાણ્યા શખ્સનો મેસેજ આવ્યો હતો
મુંબઈ, અક્ષય કુમારે સાયબર અવેરનેસ ઓક્ટોબર ૨૦૨૫ના મહિનાના કાર્યક્રમમાં એક ચોંકાવનારી ઘટના શેર કરી છે. તેમણે કહ્યું કે, તેમની દીકરી ઓનલાઈન ગેમ રમે છે. એક સાથી ખેલાડીએ તેના ન્યૂડ ફોટોઝ મંગાવ્યા. અક્ષયે ચિંતા વ્યક્ત કરી કે, આ રીતે બાળકો બ્લેકમેલિંગનો શિકાર બનીને આત્મહત્યા પણ કરી શકે છે. તેમણે માંગ કરી કે બાળકોને સ્કૂલમાં આ અંગે જાગૃત કરવામાં આવે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારની દીકરી ૧૩ વર્ષની છે.અક્ષયે ઈવેન્ટમાં વિગતે વાત કરતાં કહ્યું કે, ‘થોડા મહિના પહેલા મારા ઘરમાં બનેલી એક નાની ઘટના તમને કહેવા માંગુ છું.
મારી દીકરી એક વીડિયો ગેમ રમી રહી હતી. જેમાં કેટલીક વીડિયો ગેમ્સ એવી છે, જે તમે અજાણ્યાઓ સાથે રમી શકો છો. જ્યારે ગેમ રમી રહ્યા હોવ છો ત્યારે સામેથી એક મેસેઝ આવે છે કે, ‘ઓહ, ગ્રેટ, ખૂબ જ સરસ.’ અચાનક, એક વ્યક્તિએ પૂછ્યું, ‘તમે ક્યાંથી છો?’ મારી દીકરીએ જવાબ આપ્યો, ‘મુંબઈ.’ એ પછી બધું નોર્મલ ચાલી રહ્યું હતું. દીકરી સારી રીતે ગેમ રમી. પછી ખુબ જ આદર, નમ્રતા અને શિષ્ટચારથી મેસેજ આવવા લાગ્યા, તેથી લાગ્યું કે, સામે જે પણ રમી રહ્યું છે તે ખૂબ જ આદરણીય વ્યક્તિ છે.
પછી ફરી એક મેસેજ આવ્યો જેમાં પૂછવામાં આવ્યું, ‘તમે પુરુષ છો કે સ્ત્રી?’ તેણે જવાબ આપ્યો, ‘સ્ત્રી.’ એ બાદ પણ બધું નોર્મલ રીતે ચાલુ રહ્યું. પછી તેણે થોડા સમય પછી એક મેસેજ કર્યાે કે, ‘શું તમે મને તમારો ન્યૂડ ફોટો મોકલી શકો છો?’ અક્ષય આગળ જણાવે છે, ‘મારી દીકરીએ તરત જ બધું બંધ કરી દીધું. દીકરીએ આ દરેક વાત મારી પત્નીને કરી. સારુ થયું કે, તે સીધી મારી પત્ની પાસે ગઈ. આ સાયબર ક્રાઇમનો એક ભાગ છે, જ્યાં બાળકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે, અને પછી તેમની પાસે પૈસા માંગવામાં આવે છે.
કારણ કે તેમની પાસે બધી જ માહિતી હોય છે, તેથી તેમાં બીજું બધું થાય છે, કેટલાક કિસ્સાઓમાં બાળકો આત્મહત્યા પણ કરી લેતા હોય છે. આ રીતે બાળકોને ઓનલાઈન ગેમ દ્વારા ફસાવવામાં આવે છે.’ અક્ષય કુમારે કાર્યક્રમમાં આ ઘટના અંગે વાત કરતાં વધુમાં કહ્યું કે, ‘મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં હાજર છે, હું તેમને વિનંતી કરવા માંગુ છું કે આપણે સ્કૂલોમાં ઈતિહાસ, ભૂગોળ અને ગણિત શીખવીએ. આપણા બાળકો આ શીખે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ આપણા બાળકોને ધોરણ ૭, ૮ અને ૯ માં સાયબર ક્રાઇમ પર એક પીરિયડ હોવો જોઈએ, કારણ કે, સ્ટ્રીટ ક્રાઈમ કરતાં આ કેસ ઝડપી વધી રહ્યા છે.’ss1