પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૭મી જન્મજયંતિ નિમીત્તે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી

વિદેશમાં રહીને ભારતની આઝાદીના ચળવળમાં પોતાનું અમુલ્ય યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૭મી જન્મજયંતિ નિમીત્તે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા પોડિયમ ખાતે આવેલા તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશમાં રહીને ભારતની આઝાદીમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતું. તેમનું સ્વપ્ન હતું કે, તેમના અસ્થીઓને ભારતમાં લઈ જવામાં આવે.
તેમના મૃત્યુ બાદ તેમના અસ્થિઓને જિનીવા ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વિત્ઝરલેન્ડથી તેમના અસ્થિને દેશમાં લાવી તેમના અંતિમ સ્વપ્નને સાકાર કર્યું હતું.
આ વેળાએ ગુજરાત વિધાનસભાના સચિવ શ્રી ચેતન પંડ્યા, સંયુક્ત સચિવ શ્રીમતી રીટાબહેન મહેતા, વિધાનસભાના અન્ય અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ સહિત આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓએ પણ શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.