વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા અને કૌશલ્યના પ્રદર્શનનું વિહંગાવલોકન કરતાં રાજ્યપાલ

*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભુજ વાયુસેના ખાતે યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી*
*એરફોર્સ સ્ટેશન ભુજના એર કોમોડોર કે.પી.એસ. ધામાએ રાજ્યપાલશ્રીને ઓપરેશન સિંદૂરમાં ઉપયોગી વાયુસેનાના સાધનોથી અવગત કરાવ્યા*
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતએ ભુજ વાયુસેના ખાતે યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા અને કૌશલ્યના પ્રદર્શન સાથે અનેકવિધ સાધનોની પ્રદર્શનીનું વિહંગાવલોકન કર્યું હતું. આ સાથે ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાયેલા વાયુસેનાના શસ્ત્રો વિશે સમજ મેળવી હતી.
રાજ્યપાલશ્રીએ “Know your forces”ના હેતુથી યોજવામા આવેલા વાયુસેનાના શસ્ત્ર પ્રદર્શનમાં ફાઈટર ઍરક્રાફટ, જમીનથી હવામાં દુશ્મનોના ઍરક્રાફટ અને ડ્રોનને તોડી પાડનારા વિવિધ મિસાઈલ, રોહિણી રડાર સિસ્ટમ અને એરફોર્સની ગરુડ સ્પેશિયલ ફોર્સના શસ્ત્રોની વિશેષતાઓ વિશે સમજ મેળવી હતી.
રાજ્યપાલશ્રીએ એરફોર્સ સ્ટેશન ભુજના એર કોમોડોરશ્રી કે. પી. એસ. ધામ પાસેથી વાયુસેનાની કામગીરી અને તેના સાધનો વિશે વિગતવાર માહિતી મેળવી હતી.
આ મુલાકાત દરમિયાન કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, અંજાર પ્રાંત અધિકારીશ્રી સુરેશ ચૌધરી,
ભુજ એરફોર્સ સ્ટેશનના ચીફ એડમીન ઓફિસર આર. કે. યાદવ સહિત એરફોર્સ સ્ટેશનના ઉચ્ચ અધિકારીશ્રીઓ, વાયુસેનાના જવાનો, નિવૃતિ સૈનિકો ઉપસ્થિત રહ્યાં હતાં. જવાનોના પરિવારજનો, એનસીસી કેડરર્સ, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ આ પ્રદર્શન નિહાળ્યું હતું.