રૈયાધાર વિસ્તારમાં આતંક મચાવનાર હાડા ગેંગના સાત આરોપી ઝડપાયા

રાજકોટ, શહેર અને જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. પોલીસની કડકાઈ છતાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડી રહ્યાં છે. શહેરના રૈયાધાર વિસ્તારમાં ગઈકાલે હાડા ગેંગના તત્વોએ આતંક મચાવ્યો હતો. હથિયારો સાથે આવી ચડેલા લોકોએ વાહનોના કાચ તોડ્યા હતાં. લોકોમાં આવા તત્વોના ત્રાસથી ભય ફેલાયો છે. ત્યારે પોલીસે આતંક મચાવનારા તત્વોને ઝડપી લીધા હતાં અને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટના રૈયાધાર વિસ્તારમાં ગઈ કાલે હાડા ગેંગના લોકોએ ધોકા પાઈપ વડે હુમલો કરીને કારના કાચ ફોડ્યા હતા. નવરાત્રિની આઠમના દિવસે આ આરોપીઓમાનો એક શખ્સ દારૂ પી ને આવતા ફરિયાદીએ દારૂ પી ને આવવાની ના પાડી હતી. જેનો ખાર રાખી ગઈકાલે રાત્રે હુમલો કરાયો હતો.
આવા તત્વોના હુમલાને કારણે સમગ્ર વિસ્તારના લોકોમાં ભય ફેલાયો હતો. ફરિયાદીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
પોલીસે ગણતરીના કલાકોમાં આતંક મચાવનાર હાડા ગેંગના એક સગીર સહિત સાત શખ્સોને ઝડપી લીધા હતાં. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ હતું. આરોપીઓએ અદાવત રાખીને ત્રણથી ચાર લોકો પર પાઈપથી હુમલો કર્યો હતો. પોલીસે આરોપીઓને પકડીને બરાબરનો પાઠ ભણાવ્યો હતો.