Western Times News

Gujarati News

અમદાવાદ શહેર દિવાળીના પર્વ દરમિયાન રોશનીથી ઝગમગી ઉઠશે

નાગરિકોને ભેળસેળયુક્ત મીઠાઈ-ફરસાણ ન મળે તે માટે ખાસ ચોકસાઈ રખાશે ઃ દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીના પર્વને ધ્યાનમાં લઈ સમગ્ર શહેરને રોશનીથી ઝગમગતું કરવામાં આવશે. શહેરના તમામ બ્રીજ, મોટા જંકશન તેમજ મ્યુનિ. કોર્પોરેશનની મિલકતો પર રોશની લગાવવામાં આવશે

આ ઉપરાંત નાગરિકોને ભેળસેળયુક્ત મીઠાઈઓ ન મળે તે માટે માવા, ફરસાણના સેમ્પલ લેવામાં આવશે. સાથે સાથે દરેક દુકાનોમાં રસોડાની પણ ખાસ ચકાસણી કરવામં આવશે.

મ્યુનિ. સ્ટેન્ડિગ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરને દિવાળીના તહેવાર નિમિત્તે દુલ્હનની જેમ શણગારવાની તૈયારી થઈ રહી છે. રૂ.૩ કરોડના ખર્ચે શહેરના મુખ્ય માર્ગો, ચાર રસ્તાઓ અને બ્રિજ પર રંગીન લાઇટિંગથી ડેકોરેશન કરવામાં આવશે.

૧૨ આૅક્ટોબરથી ૨૬ આૅક્ટોબર સુધી ડેમ્પરી લાઇટિંગ ઉભી કરાશે. શહેરના ૪૬ સર્કલ, ૭ અન્ડરપાસ, ૧૧ હેરિટેજ ગેટ, ૨ સ્કલ્પચર, નદી પરના ૭ બ્રિજ અને ઝોનના ૫૨ બ્રિજને ખાસ શણગાર કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ નાગરિકોને દિવાળીની ઉજવણી યાદગાર બનાવવા આ આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વધુ સુવિધા અને સ્વચ્છતા મળે તે માટે અનેક કામગીરી હાથ ધરાઈ રહી છે. નવેમ્બરમાં બુક ફેર, સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ અને ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે જ્યારે દિવાળી તહેવારોને અનુલક્ષીને ફૂડ ચેકીંગ કામગીરી સઘન બનાવાશે અને રસોડાની સ્વચ્છતા માટે પણ તપાસ હાથ ધરાશે.

દિવાળી પૂર્વે ગામતલ વિસ્તારમાં આર.સી.સી. રોડ ધોઈને સાફ કરવામાં આવશે અને નગરલાયબ્રેરીમાં વાઈ-ફાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખારીકટ કેનાલ પૂર્વ તરફનું કામ ૧૫ ડિસેમ્બર સુધી પૂર્ણ કરવામાં આવશે સાથે જ નવા રોડ પર સાઈનેજ અને પટ્ટા સહિતની કામગીરી પણ હાથ ધરાશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી એ જણાવ્યું કે આ તમામ કામગીરી નાગરિકોની સુખાકારી, સ્વચ્છતા અને સુવિધા માટે કરવામાં આવી રહી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.