પરિવારની જાણ બહાર ભાગીને લગ્ન કરી લે છે તે માટે માતા-પિતાની સહમતી ફરજીયાત કરવી જોઈએ

લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગ સાથે હિંમતનગરમાં રેલી યોજાઈ-૧૮ સમાજની મહિલા અને પુરૂષોએ જિ.કલેકટરને સંબોધી આવેદનપત્ર આપ્યુ
(તસ્વીરઃ મગનજીત વણઝારા, હિંમતનગર) સાબરકાંઠા સહિત ગુજરાત અને અન્ય રાજયોમાં રહેતા યુવા-યુવતીઓ પરિવારની મંજૂરી વિના પ્રેમલગ્ન કરી લીધા બાદ તેઓ પરિવારની જાણ બહાર લગ્નની નોંધણી ગમે તે ઠેકાણે કરાવી દેતા હોવાને કારણે ઘણી વખત બંને પક્ષે પરિવારોને આર્થિક સામાજિક નુકસાન થઈ રહ્યું છે
ત્યારે શનિવારે સાબરકાંઠા જિલ્લાના ૧૮ સમાજના મહિલાઓ અને પુરૂષોએ રેલી કાઢી જિલ્લા કલેકટરને સંબોધી આવેદનપત્ર આપી લગ્ન નોંધણીના કાયદામાં પાંચ સુધારા કરવાની માંગ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે શનિવારે હિંમતનગરના ટાવરચોક ખાતે ૧૮ સમાજના લોકોએ રેલીમાં ભાગ લઈ જનજાગૃતિના ફેલાવવાના આશયથી સુત્રોચ્ચાર સાથે આ રેલી કલેકટર કચેરીએ પહોંચી હતી. જ્યાં જિલ્લા કલેકટરને સંબોધી આવેદનપત્ર આપી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાની માંગ દોહરાવી હતી. જે પાંચ માંગો કરવામાં આવી છે
તેમા પ્રેમલગ્ન કરનાર અથવા તો પરિવારની જાણ બહાર ભાગી જઈને જે લગ્ન કરી લે છે તે માટે માતા-પિતાની સહમતી ફરજીયાત કરવી જોઈએ.
સાથોસાથ સરકારે એન્ટી રોમિયોસ કોડની સ્થાપના કરવી જોઈએ તથા દિકરીના રહેણાંકના વિસ્તારમાં જ લગ્ન નોંધણીને ફરજીયાત બનાવવી જોઈએ.
ઉપરાંત લગ્ન નોંધણીના કાયદામાં જરૂરી સુધારા કરવા જોઈએ તથા કેટલેક ઠેકાણે ખોટા લગ્ન થાય છે તેના પુરાવાને આધારે દોષિતો સામે પણ કાર્યવાહી થવી જોઈએ. જો સરકાર ધ્વારા સત્વરે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ બાબતે આંદોલન થઈ શકે તેમ છે.