Western Times News

Gujarati News

ચંદી પડવાએ માવાઘારી આરોગવાની પરંપરા- શું છે મહિમા જાણો

ભરૂચમાં માવાઘારી બનાવવા શ્રી ફાટાતળાવ રાણા પંચ દ્વારા પુરજોશમાં ચાલતી તૈયારીઓ -સમાજના ૬૦ થી વધુ લોકો છેલ્લા ૧ મહિનાથી બનાવી રહ્યા છે માવાઘારી ઃ વેચાણ થકી થતી બચતને સમાજના કાર્યમાં કરાય છે ઉપયોગ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચંદી પડવાના દિવસે લોકો લાખો રૂપિયાની માવાઘારી અને ફરસાણ આરોગી પર્વની ઉજવણી કરવાની પરંપરા રહેલી છે.જે માટે શ્રી ફાટાતળાવ રાણા પંચ દ્વારા માવાઘારી બનાવવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચંદી પડવાના દિવસે માવાઘારી,માવાનાં ફૂલ,ફાફડા અને જલેબી આરોગવાનો અનેરો મહીમા હોય છે.એક સમયે સુરતની ઘારીની માંગ જોવા મળતી હતી.પણ હવે ભરૂચમાં પણ ખૂબ મોટા પાયે માવાઘારીનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે.ભરૂચ શહેરમાં દસ પંદર દિવસ પૂર્વે જ આ માટેના ઓર્ડર નોંધાવા લાગે છે અને તે માટેની તૈયારી પણ શરૂ થઈ જતી હોય છે.

સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે રાણા સમાજે પોતાની સમાજ સેવાથી સમાજમાં આગવું સ્થાન જમાવ્યું છે.ગુજરાત ઉપરાંત વિદેશમાં પણ નામના મેળવેલ શ્રી ફાટાતળાવ રાણા પંચે આજથી ૪૦થી વધુ વર્ષ પહેલાં ૪૦ કિલોથી ઘારી તૈયાર કરી વેચાણ કર્યા બાદ સતત તેમાં વધારો થતો રહ્યો અને હાલમાં હજારો કિલો માવાઘારી બનાવવામાં આવે છે જેમાં સમાજના ૬૦ થી વધુ લોકો છેલ્લા ૧ મહિનાથી સેવા આપી રહ્યા છે.

શ્રી ફાટાતળાવ રાણા પંચના પ્રમુખ સનતભાઈ રાણા જણાવે છે કે શ્રી ફાટાતળાવ રાણા પંચ દ્વારા શહેરના શ્રી ભક્તેશ્વર મહાદેવ હોલ ખાતે માવાઘારી બનાવવાનું શરૂ કરવામાં આવેલ છે.માવાઘારી બનાવવા માટે વપરાતા ઘી,ડ્રાયફ્રુટ વિગેરે સામગ્રીમાં ભાવમાં થયેલો વધારાના કારણે આ વર્ષે માત્ર કિલોએ ૨૦ રૂપિયાનો વધારો કરાતા આ વખતે એક કિલોનો ૬૬૦ ભાવ રાખવામાં આવ્યો છે.

શ્રી ફાટાતળાવ રાણા પંચ દ્વારા તૈયાર કરાતી માવાઘારીને લોકોએ પર્વનાં દિવસો પહેલાથી જીલ્લા બહાર રહેતા તેમના સ્વજનો,સંબંધીઓ તેમજ મિત્રોને મોકલી આપવા ખરીદારી કરતા હોય છે.સમાજ સેવા સાથે શૈક્ષણિક સેવાના ઉમદા ઉદાહરણરૂપ રાણા પંચની માવાઘારીની માંગ પુરા ગુજરાતમાં છે.

જે ઘારી ચાંદની પડવાના દિવસે ભરૂચવાસીઓ સહિત વિદેશમાં વસતા પરિવારજનો પણ ઉત્સાહભેર આરોગે છે.આ માવાઘારી સાથે સમાજ સેવાનું ઉમદા ઉદાહરણ પણ જોડાયેલ હોઈ લોકો માટે માવાઘારી સ્વાદપ્રિય બની છે.

ભરૂચ શહેરમાં આ સિવાય અન્ય મીઠાઈ વિક્રેતાઓ પણ માવાઘારીના વેચાણ માટે તૈયારી કરી રહ્યા છે.આમ ભરૂચના ઉત્સવ પ્રિય લોકોમાં ચંદી પડવાની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.