સુરત: કુબેરજી ગ્રુપના 35 ઠેકાણે ITની રેડ
સુરત: ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કાળુ નાણુ શોધવા રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરતમાં બિલ્ડર તેમજ ઉદ્યોગકારો ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતની કુબેરજી ગ્રુપ પર આઈટી વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. વહેલી સવારથી કુબેરજી ગ્રુપના નરેશ અગ્રવાલ, રાજેશ પોદ્દાર સહિત તમામ ભાગીદારોને ત્યાં અને તેમના સંબંધીઓને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, સુરતના કુંભારીયા રોડ પર વિશાળ ટેક્ષટાઈલ માર્કેટનું નિર્માણ તેમજ સુરત શહેના અનેક મોટી બિલ્ડીગોનું નિર્માણ કરનાર કુબેરજી ગ્રુપના માલિક અને ભાગીદારોના ઘર, એકાઉન્ટન્ટ અને સહયોગી પેઢી મળી કુલ 35થી વધુ સ્થળો ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. અંદાજે પોણા સાત વાગ્યાથી સર્વેની કામગીરી હાથ ધરી હતી. આ સર્વેમાં આઈટીને બેનામી નાણું હાથ લાગે તેવી આશંકા સેવવામાં આવી રહી છે. કુબેરજી ગ્રુપ ઉપર દરોડાની કાર્યવાહીમાં રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના અંદાજે 275થી વધુ અધિકારીઓ પોલીસ કાફલા સાથે તપાસમાં જોડાયા છે.
તાજેતરમાં જ થયેલા જમીનના સોદાને લઇને આ સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુબેરજી બિલ્ડર જૂથની ઓફિસો, સાઇટ અને રહેણાંક વિસ્તારોમાં આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન મોટી બેનંબરી આવક મળી આવે તેવી શક્યતા છે.