મહેસાણામાં ડિજિટલ એરેસ્ટના નામે ઠગાઈ કરનાર બે પકડાયા

મહેસાણા, ઓનલાઇન ડીઝિટલ એરેસ્ટના નામે છેતરપિંડી કરી બેન્ક એકાઉન્ટમાં નાણાં મેળવતી ગેંગના સભ્યોને મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંનેને મહારાષ્ટ્રની નાસિક સાયબર ક્રાઇમ પોલીસને સોંપાયા હતા.
મહેસાણા જિલ્લામાં સાયબર ક્રાઇમના બનાવોમાં ફ્રોડની રકમ મેળવવા માટે વપરાતા શંકાસ્પદ બેન્ક એકાઉન્ટની ઊંડાણપૂર્વક તપાસ કરી શંકાસ્પદ જણાઈ આવે તો કાયદાકિય કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડા હિંમાંશું સોલંકીએ સૂચના આપી હતી.
આથી મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ જે.જી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.આઈ ચાવડા તથા ટીમ દ્વારા જિલ્લાના સાઇબર ક્રાઇમના ગુનાઓમાં સંડોવાયેલા શંકાસ્પદ બેન્ક એકાઉન્ટની વિગત એનસીસીઆરપી પરથી મેળવી તપાસ કરતા હતા.
આ દરમિયાન મહેસાણા અર્બન કો. ઓપરેટિવ બેન્કના એક ખાતામાં સાયબર ળોડના રૂ. ૧૦.૪૦ લાખ આવ્યા હતા, જે શંકાસ્પદ હોઈ આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરાયું હતું. જેમાં તપાસ કરતાં બેન્ક ખાતું ફ્રીજ હોવાનું તેમજ આ મામલે મહારાષ્ટ્રના નાસિક સાયબર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું હતું.
આથી મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસે બેન્ક એકાઉન્ટ હોલ્ડર વીમળાબેન મોન્ટુભાઈ પઢિયાર (રહે. દિયોદર)ની તપાસ કરી હતી. જેમાં આ બનાવમાં સંકળાયેલા મોન્ટુભાઈ પઢિયાર (રહે. દિયોદર) અને નિરવ વિષ્ણુભાઈ ચૌધરી (રહે. વણાગલા, તા. ઊંઝા)ની આ ગુનામાં સંડોવણી હોવાનું ખુલ્યું હતું. આથી બંનેને હસ્તગત કરી વધુ તપાસ અર્થે નાસિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા.SS1MS