આઉટસોર્સિગ એજન્સી સાથે વિશ્વાસુ કર્મીની ૯૪ લાખની ઠગાઈ

ગાંધીનગર, રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં તથા ખાનગી એકમોમાં આઉટસો‹સગ કર્મચારીઓ પૂરા પાડતી એજન્સી સાથે વિશ્વાસુ કર્મચારીએ રૂ.૯૪ લાખની ઠગાઈ આચરી છે.
પોતાની બહેન તથા અન્ય મળતિયાઓના નામે બેંક ખાતા ખોલાવીને પગાર જમા કરાવી દીધા હોવાનું ધ્યાનમાં આવતાં એજન્સી દ્વારા કૌભાંડી કર્મચારી સામે ગાંધીનગરના સેક્ટર-૭ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ગાંધીનગરના સેકટર-૮ ખાતે રહેતા મુકેશભાઈ મનજીભાઈ કાલાવડિયા સેક્ટર-૧૧ ખાતે અનુશ્રી આઉટસોર્સ પેઢી નામે રાજ્યભરમાં કર્મચારીઓ પૂરા પાડવાનું કામ કરે છે. વર્ષ ૨૦૧૭માં તેમને ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઈડીએમ) રાયસણ ખાતે મેન પાવર પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.
મુકેશભાઈએ સેક્ટર-૧૪ ખાતે રહેતા રોનક ચંદુલાલ પટેલને ટેન્ડર ભરવાથી માંડીને બેંકમાં કર્મચારીના પગાર જમા કરાવવાનું કામ સોંપ્યું હતું. વર્ષ ૨૦૧૭થી આ કામગીરી કરતો રોનક વર્ષ ૨૦૨૪માં બીમારીનું કારણ જણાવી રજા પર ઉતરી જતાં તેનું કામ રાજેન્દ્ર ગોસ્વામી અને આશિષ વોરાએ સંભાળ્યું હતું.
તેમણે પેઢીના હિસાબો ચકાસતા વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ દરમિયાન પેઢીમાં નોકરી ન કરતા હોય તેવા કર્મચારીના ખાતામાં પગાર જમા થયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
શંકાસ્પદ કર્મચારીઓના બેંક ખાતાની ચકાસણી દરમિયાન રોનકની પોલ પકડાઈ હતી. તેણે કર્મચારીઓના નામ અસલ રાખ્યા હતા, પરંતુ તેમના પગાર પોતાની બહેન સ્નેહા તથા અન્ય મળતિયાઓના ખાતામાં જમા કરાવ્યા હતા. વર્ષ ૨૦૨૩માં રૂ.૪૪.૨૭ લાખ અને વર્ષ ૨૦૨૪માં રૂ.૪૪.૩૦ લાખ સહિત કુલ રૂ.૯૩.૫૭ લાખની ઠગાઈ અંગે સેક્ટર-૭ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે. SS1MS