વેરાવળમાં ૩ માળનું મકાન ધરાશાયી થતાં માતા-પુત્રી સહિત ૩ લોકોના મોત

વેરાવળ, ગીર સોમનાથના વેરાવળ શહેરના ખારવાવાડ વિસ્તારમાં ગત મોડી રાતે મોટી દુર્ઘટના સર્જા છે. જ્યાં અંદાજે ૮૦ વર્ષ જૂનું અને જર્જરિત ત્રણ માળનું રહેણાંક મકાન અચાનક ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતા, જ્યારે બે વ્યક્તિઓને કાટમાળમાંથી જીવતા બચાવી લેવાયા છે.
મળતી માહિતી અનુસાર, અચાનક મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં દેવકીબેન સૂયાની અને જશોદાબેન સૂયાની સહિતી મકાન નીચે ઉભેલા એક બાઈકસવાર ૩૪ વર્ષીય દિનેશ જુંગીનું પણ કાટમાળ હેઠળ દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.ઘટના બાદ તરત જ ફાયર ફાઈટર, પોલીસ, નગરપાલિકાની ટીમ, તેમજ ખારવા સમાજના આગેવાનો અને યુવાનોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી.
રાતે શરૂ થયેલી આ કામગીરી વહેલી સવારે ૪ઃ૩૦ વાગ્યા સુધી ચાલી હતી. બચાવ કામગીરી દરમિયાન શંકર સૂયાની અને અન્ય એક મહિલાને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર, આ મકાન લાંબા સમયથી જર્જરિત હતું. આ દુર્ઘટનાને કારણે સમગ્ર ખારવા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.SS1MS