અભિનેતા ફરહાન અખ્તર સાથે ડ્રાઈવરે કરી છેતરપિંડી

મુંબઈ, બોલિવૂડના અભિનેતા ફરહાન અખ્તર સાથે એક ચોંકાવનારો બનાવ બન્યો છે. રિપોર્ટ મુજબ, ફરહાન સાથે ૧૨ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે અને આ ઠગાઇ પણ તેના ખાસ ડ્રાઇવરે કરી હોવાનું સામે આવ્યું છે. મુંબઈ પોલીસે આ મામલે આરોપી ડ્રાઈવર અને પેટ્રોલ પંપના કર્મચારી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અભિનેતા ફરહાન અખ્તરની માતા હની ઈરાનીના ડ્રાઈવર નરેશ સિંહ અને બાંદ્રા ઝીલ પાસે આવેલા એક પેટ્રોલ પંપના કર્મચારીએ ફરહાનના પેટ્રોલ કાર્ડનો દુરુપયોગ કરી નાણાંની ઉચાપત કરી હતી.
આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે હની ઈરાનીની મેનેજર દીયા ભાટિયાને પેટ્રોલનો રેકોર્ડમાં ગડબડી જોવા મળી. આ રેકોર્ડમાં ૩૫ લીટરની ક્ષમતા ધરાવતા પેટ્રોલની ટાંકીમાં ૬૨ લીટર પેટ્રોલ ભરાવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું.
તેમજ રેકોર્ડમાં ૭ વર્ષ પહેલા વેંચાયેલી કાર માટે પેટ્રોલની ખરીદી જોવા મળી. પૂછપરછ કરતા બંને આરોપીએ કબૂલ્યું કે તેમણે ફરહાનના કાર્ડનો દુરુપયોગ કર્યાે છે.
ઈરાનીની મેનેજર દીયા ભાટિયાએ ૧ આૅક્ટોબરે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર નરેશ સિંહ અને પેટ્રોલ પંપના કર્મચારી અરુણ અમર બહાદુર સિંહ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ અનુસાર ડ્રાઈવર નરેશે પેટ્રોલ પંપના કર્મચારી અરુણ સાથે મળીને એપ્રિલ ૨૦૨૨થી સપ્ટેમ્બર ૨૦૨૫ની વચ્ચે પેટ્રોલ કાર્ડનો દુરુપયોગ કર્યાે છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે નરેશ સિંહ ફરહાન અખ્તરને જાણ કર્યા વગર બાંદ્રા ઝીલ પાસે આવેલા એક પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવ્યા વગર કાર્ડ સ્વાઇપ કરતો અને પેટ્રોલ કર્મી અરુણ તેને ૧૦૦૦ રૂપિયા તો ક્યારેક ૧૫૦૦ રૂપિયા રોકડ આપતો, જેમાં નરેશનો પણ એક ભાગ રાખતો.
પોલીસની પૂછપરછમાં ડ્રાઇવર નરેશ સિંહએ નાણાંની ઉચાપત કરી હોવાની વાત સ્વીકારી હતી. તે પંપ પરથી પેટ્રોલ ભર્યા વિના રોકડ ઊપાડતો હતો અને પેટ્રોલ પંપ કર્મચારીને કમિશન તરીકે એક ભાગ આપતો હતો.SS1MS