અમે વેપાર વાટાઘાટોમાં USA સાથે અંતિમ સહમતિ પર પહોંચી શક્યા નથીઃ જયશંકર

નવી દિલ્હી, વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે સ્પષ્ટતા કરી હતી કે ભારત અને અમેરિકા વચ્ચે કોઈ પણ વેપાર કરાર ત્યારે જ શક્ય છે, જ્યારે તે ભારતની રેડ લાઇન (મર્યાદાઓ)નું સન્માન કરે.
તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે ટેરિફ ને લઈને સંબંધોમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. જયશંકરે સ્વીકાર્યું હતું કે આ દિશામાં એક ‘સહમતિનો આધાર’ શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. નોંધનીય છે કે એક કાર્યક્રમમાં ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન, જયશંકરે (સ્વીકાર્યું કે ભારત અને અમેરિકા વચ્ચે કેટલાક મુદ્દાઓ છે. તેમણે કહ્યું કે આમાંના ઘણા મુદ્દાઓ પ્રસ્તાવિત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં નિષ્ફળતા સાથે સંબંધિત છે.
તેમણે કહ્યું કે અમેરિકા વિશ્વનું સૌથી મોટું બજાર હોવાથી ભારત અને અમેરિકા વચ્ચે વેપાર પર સમજૂતી પર પહોંચવું મહત્વપૂર્ણ છે. પરંતુ એ પણ મહત્વપૂર્ણ છે કે ભારતની લાલ રેખાઓનું સન્માન કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે જયશંકરે ટેરિફના મુદ્દે અમેરિકા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આજે અમેરિકા સાથે અમારા કેટલાક મુદ્દા છે, જેનું એક મોટું કારણ એ છે કે અમે વેપાર વાટાઘાટોમાં અંતિમ સહમતિ પર નથી પહોંચી શક્યા.
આ સમજૂતી ન થવાને કારણે ભારત પર કેટલાક વિશેષ ટેરિફ લગાવવામાં આવ્યા છે. તેમણે એક ગૌણ ટેરિફ પર પણ સખત વિરોધ વ્યક્ત કર્યો, જે ભારતને રશિયા પાસેથી ઊર્જા ખરીદવા બદલ નિશાન બનાવે છે.
તેમણે કહ્યું કે, એવા ઘણા દેશો છે જેમણે આવું જ કર્યું છે અને તેમના રશિયા સાથેના સંબંધો આજે અમારા કરતા વધુ તણાવપૂર્ણ છે, છતાં ભારતને નિશાન બનાવવું અનુચિત છે. ટ્રમ્પે ભારતીય વસ્તુઓ પર ટેરિફ બમણો કરીને ૫૦% કરી દીધો છે, જેમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારત પર ૨૫%નો વધારાનો ટેરિફ પણ સામેલ છે.