મોડાસા માર્કેટયાર્ડની ૧૭મીએ યોજાનારી ચૂંટણી માટે રાજકારણમાં ધમધમાટ

પ્રતિકાત્મક
મોડાસા, અરવલ્લી જિલ્લાના અગ્રણી મોટી સહકારી સંસ્થા ખેત ઉત્પન્ન બજાર સમિતિ- માર્કેટયાર્ડ, મોડાસાની વર્તમાન બોર્ડ ઓફ ડીરેકટર્સની મુદત પૂરી થતાં રાજય નિયામક દ્વારા ચૂંટણીની જાહેરાત કરાઈ છે.
જેના પગલે જરૂરી ચૂંટણી પ્રક્રિયા જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાઈ છે ત્યારે હવે આગામી ૧૭મી ઓકટોબરને શુક્રવારે દિવાળી પર્વના બે દિવસ પહેલા યોજાનાર છે. આ મોડાસા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં બે બેઠકના વધારા સાથે ખેડૂત વિભાગની કુલ ૧૪ બેઠકોની ચૂંટણી યોજાશે.
જે ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ઉમેદવારી ફોર્મ ભરાવવાની શરૂ થઈ ગયું છે. તા.૧૦ ઓકટોબરના શુક્રવારે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. મતદાન તા.૧૭.૧૦.ર૦૧પના શુક્રવારે સવારે ૯ થી ૧૭ કલાક સુધી યોજાશે. મતગણતરી તા.૧૮ના શનિવારે ૯ થી માર્કેટયાર્ડ કાર્યાલય ઉપર યોજાશે.
આ માર્કેટયાર્ડની ચૂંટણી જંગમાં ઉમેદવારી કરવા ઈચ્છતા ઉમેદવારો અને તેમના ટેકેદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. સહકારી આગેવાનોમાં વર્તમાન ચેરમેન રાજેન્દ્રભાઈ છગનભાઈ પટેલ અને મોડાસા તાલુકા સહકારી ખરીદ- વેચાણ સંઘના ચેરમેન પંકજભાઈ પટેલ પેનલ બનાવવા પ્રયાસ કરી ભાજપના મેન્ડેટ મેળવી ચૂંટણી જંગમાં ઝંપલાવશે તેવી સહકારી રાજકીય ફલક પર ચર્ચા થઈ રહી છે.
ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા સહકારી રજીસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણ ચૂંટણીની કામગીરી નીભાવશે. ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૬પ૬ સભાસદ અને વેપારી વિભાગની ૪ બેઠકો માટે ૩૮ સભાસદો મતદાન કરશે. સહકાર વિભાગના પ્રતિનિધિ માટે આ ચુંટણીમાં કોઈ ઉલ્લેખ જણાતો નથી.