નરોડા વિધાનસભાના રહીશોએ ધારાસભ્ય ડો. પાયલ કુકરાણીનો ઘેરાવો કર્યો

છેલ્લા ૬ મહિનાથી ડ્રેનેજ બેકીગનો ઉકેલ આવતો ન હોવાથી ત્રસ્ત રહીશો ધારાસભ્યની ઓફિસે પહોંચ્યા હતા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદની નરોડા વિધાનસભા વિસ્તારના નોબલનગર વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાનું ઘણા સમયથી ઉકેલ ન આવતા ત્રસ્ત થયેલા નાગરિકોએ ધારાસભ્ય ડો. પાયલ ઉકરાણીનો ઘેરાવો કર્યો હતો જેના પગલે મ્યુનિ. અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તાકીદે કામગીરી હાથ ધરી હતી.
સરદારનગર વોર્ડના નોબલનગર વિસ્તારમાં આવેલ બીડીકામદાર નગર, વાલ્મીકી સોસાયટી, અનસુયાનગર સહિતના વિસ્તારોમાં છેલ્લા છ મહિનાથી ડ્રેનેજ બેકીગની સમસ્યા છે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ થતું ન હતું
જેના કારણે સોમવારે સ્થાનિક નાગરિકોએ માયા સિનેમા રોડ પર નરોડાના ધારાસભ્ય ડો. પાયલ કુકરાણીની ઓફિસે પહોંચ્યા હતાં અને જયાં સુધી આ પ્રશ્નનો નિકાલ નહી આવે ત્યાં સુધી અમે ઘરે જઈશું નહી તેમ કહીને વિરોધ કર્યો હતો
બીડી કામદારનગરના રહીશોના જણાવ્યા મુજબ અમે ૧પ વર્ષથી પ્રાથમિક સુવિધાઓની સુવિધાઓની સમસ્યાનો સામનો કરી રહયા છે. ગટર ઉભરાવવાની સમસ્યાના કારણે બીમારી પણ ફેલાય છે તેમ છતાં તેનો કોઈ જ ઉકેલ આવ્યો ન હોવાથી ના છુટકે ધારાસભ્યનો ઘેરાવો કરવાની ફરજ પડી હતી.
સ્થાનિક લોકોએ ધારાસભ્યની ઓફિસે જઈ ઘેરાવો અને સુત્રોચાર કરતા ઉત્તર ઝોનના ડેપ્યુટી કમિશનર સહિત તમામ મેન અને મશીનરી સ્થળ પર હાજર થઈ ગયા હતા તેમજ તાકીદે ડ્રેનેજની સફાઈ શરૂ કરવામાં આવી હતી.
સરદારનગર વોર્ડમાં ભાજપના કોર્પોરેટરો સામે પણ સ્થાનિક રહીશોમાં અસંતોષ જોવા મળી રહયો છે તેમજ આ વિસ્તારમાં તમામ કામ બિલ્ડરલક્ષી કરવામાં આવતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે લગભગ ત્રણ મહિના અગાઉ અસારવાના મહિલા ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાનો પણ આવા જ મામલે તેમના મતદારોએ ઘેરાવો કર્યો હતો.