ઝીણી મગફળી 1085 રૂ. સુધી વેચાઈ રહી છે જ્યારે જાડી મગફળી 1250 રૂ. સુધી વેચાઈ રહી છે

તેલનો ખેલ! ખેડૂતોને નથી મળતા મગફળીના ભાવ અને લોકો ઊંચા ભાવે સિંગતેલ ખરીદવા મજબૂર
રાજકોટ, મગફળીમાંથી પ્રોટીન અને મની કોણ મેળવી રહ્યું છે? લોહી પસીનો એક કરીને કમાણી કરતા લોકોને સીંગતેલના ભાવ વધારે ચૂકવવા પડી રહ્યા છે. એક તરફ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ ખેડૂતોને મગફળીના સૌથી નીચા ભાવ મળી રહ્યા છે તો બીજી તરફ છેલ્લા એક સપ્તાહથી સિંગતેલના ભાવમાં વધારો આવી રહ્યો છે ત્યારે શું છે આ તેલનો ખેલ?
ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ ખેડૂતો મગફળીના પાકનું વાવેતર કરતા હોય છે અને ચાર મહિના સુધી આ ખેડૂતો ન તો રાત જોતા હોય છે ન દિવસ જોતા હોય છે અને તનતોડ મહેનત કરીને મગફળીનું ઉત્પાદન મેળવતા હોય છે.
ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દૂર દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો જ્યારે મગફળી વેચવા આવતા હોય છે ત્યારે તેમને નિરાશાનો સામનો કરવો પડતો હોય છે. હાલમાં આ સમય દરમિયાન છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ સૌથી નીચા ભાવ મગફળીના આ વર્ષે ખેડૂતોને મળી રહ્યા છે. ઝીણી મગફળી ૭૨૧થી ૧૦૮૫ રૂપિયા સુધી વેચાઈ રહી છે જ્યારે જાડી મગફળી ૮૦૦થી ૧૨૫૦ રૂપિયા સુધી વેચાઈ રહી છે.
વર્ષ ૨૦૨૪માં મગફળી જાડી ૯૦૦થી ૧૧૩૫ રૂપિયામાં વેચાઈ હતી. મગફળી ઝીણી ૧૦૮૦થી ૧૪૨૫ વેચાઈ હતી. વર્ષ ૨૦૨૩માં મગફળી જાડી ૧૦૫૫ થી ૧૪૨૦ વેચાઈ હતી. મગફળી ઝીણી ૧૦૭૫થી ૧૫૪૦ માં વેચાઈ હતી. વર્ષ ૨૦૨૨માં મગફળી જાડી ૧૦૦૦ થી ૧૩૭૦ વેચાઈ હતી.
મગફળી ઝીણી ૧૦૫૦થી ૧૩૫૦ રૂપિયા સુધી વેચાઈ હતી. વર્ષ ૨૦૨૧માં મગફળી જાડી ૮૦૦ થી ૧૨૧૦ રૂપિયા સુધી વેચાઈ હતી. મગફળી ઝીણી ૭૯૦ થી ૧૬૧૦ રૂપિયા સુધી વેચાઈ હતી. ત્યારે આ અંગે ખેડૂતોએ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. ખેડૂતોએ કહ્યું હતું કે તેઓએ છેલ્લા ચાર મહિના થયા ખૂબ મહેનત કરી છે આમ છતાં અત્યારે તેમને ભાવ નથી મળી રહ્યા. આમ છતાં એ જ મગફળીમાંથી નીકળતા તેલના ભાવ વધી રહ્યા છે ત્યારે આમાં ખેડૂતોએ ખેતી કેમ કરવી તે પણ સવાલ છે.
એક તરફ મગફળીના ભાવ છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ સૌથી નીચા ભાવ આ વર્ષે ખેડૂતોને મળી રહ્યા છે તો બીજી તરફ સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા સપ્તાહમાં ૨૦ કિલો સિંગતેલ ડબ્બાના ભાવમાં ૪૦ રૂપિયાનો વધારો થયો હતો. પાંચ દિવસ પહેલા સિંગતેલના ભાવ ૨૨૫૦ થી ૨૩૦૦ રૂપિયા હતા. આજે સિંગતેલનો ભાવ વધીને ૨૨૨૦થી ૨૩૪૦ થયો હતો.
હાલમાં જે મગફળીના ભાવ ડાઉન થઈ રહ્યા છે બીજી તરફ સિંગતેલના ભાવ વધ્યા છે, એ અંગે તેલના વેપારીએ કહ્યું હતું કે હાલમાં જે મગફળી આવે છે તેની ક્વોલિટી નબળી હોય છે.
એટલા માટે તે પીલાણમાં નથી ઉપયોગમાં લેવાતી. તેમાંથી માત્ર ખારી સીંગ બનતી હોય છે. હાલમાં કાચા માલની પણ અછત છે જેમને કારણે સીંગતેલના ભાવ વધી રહ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં દિવાળી બાદ ?૫૦ જેટલો ઉછાળો આવે તેવી પણ શક્્યતા છે. આ અંગે રાજકોટના લોકોએ પણ કહ્યું હતું કે, જો મગફળીના ભાવ ઘટે તો તેલના ભાવ પણ ઘટવા જોઈએ. આ ભાવ ઘટાડાનો લાભ લોકોને મળવો જોઈએ.