વાંગચુકની અટકાયત મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી

નવી દિલ્હી, લદ્દાખમાં થયેલી હિંસાના મામલે એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કરાયેલી અટકાયતને પડકારતી અરજી મામલે સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર તથા કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખને નોટિસ પાટવી હતી. વાંગચૂકની પત્ની ગીતાંજલિ જે. અંગમો દ્વારા કરાયેલી આ અરજીમાં અટકાયતના કારણો આપવા પણ અપીલ કરાઈ હતી.
જોકે જસ્ટિસ અરવિંદ કુમાર તથા એન.વી. અંજારીયાની બેન્ચે આ મામલે કોઈ આદેશ જારી કરવાનો ઈનકાર કર્યાે હતો. આ કેસની વધુ સુનાવણી ૧૪ ઓક્ટોબરના રોજ હાથ ધરાશે. લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા તથા તેને છઠ્ઠા શિડ્યુઅલમાં સમાવવાની માગ સાથે સપ્ટેમ્બર મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન યોજાયેલા હિંસક દેખાવોમાં ચાર જણાના મોત નિપજ્યાં હતા અને ૯૦થી વધુ લોકો ઘાયલ થયાં હતાં.
આ આંદોલનોના બે દિવસ બાદ એટલે કે ૨૬મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (એનએસએ) હેઠળ સોનમ વાંગચુકની અટકાયત કરાઈ હતી.
સરકારે તેની પર હિંસા ભડકાવવાનો આરોપ મુક્યો હતો. વાંગચુક હાલ રાજસ્થાનના જોધપુરની જેલમાં છે. વાંગચુકની પત્ની વતી કોર્ટમાં હાજર થયેલાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે, બેન્ચ સમક્ષ અટકાયત કયા કારણોસર કરાઈ તેની વિગતો આપવા અપીલ કરી હતી. જોકે તેનો વિરોધ કરતાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, અટકાયતી (વાંગચુક)ને તેની માહિતી ઉપલબ્ધ બનાવાઈ છે.
મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, અટકાયતના કારણો પત્નીને જણાવવા એવી કોઈ કાનૂની જોગવાઈ નથી. અટકાયતના કારણોની નકલ વગર તેને પડકારવું અશક્ય હોવાનું જણાવતાં સિબ્બલે બેન્ચને અટકાયતના કારણો આપવા વચગાળાનો આદેશ જારી કરવા રજૂઆત કરી હતી. જોકે જસ્ટિસ અરવિંદ કુમારે જણાવ્યું હતું કે, આ તબક્કે અમે કંઈ નહીં કહીએ.SS1MS