તાંત્રિકે વિધિના બહાને વિધવાના ૧૪.૧૮ લાખ પડાવી લીધા

અમદાવાદ, શહેરમાં રહેતી એક મહિલાને પતિ અને પુત્રના મોત બાબતે જાણકારી મેળવવી હતી. યૂટ્યૂબ પર અઘોરીબાબા નામના પેજ થકી તેણે તાંત્રિકનો સંપર્ક કર્યાે હતો.
આથી અઘોરી બાબા અને મહિલા તાંત્રિકે કબ્રસ્તાનમાં કાળા નાગને માટલામાં મૂકીને પતિ અને દીકરાની આત્માને બોલાવવી પડશે અને નર બલિ આપવી પડશે તેવું કહીને વિધવા મહિલા પાસેથી કુલ રૂ. ૧૪.૧૮ લાખ પડાવી લીધા હતા. આખરે વિધવાનું કામ ન થતાં તેને છેતરપિંડી થઇ હોવાનો ખ્યાલ આવતા વેજલપુર પોલીસમાં બે વ્યક્તિ સામે ગુનો દાખલ કરાવ્યો છે.
જુહાપુરાની ૪૧ વર્ષીય મહિલાના પતિ અને પુત્રનું ૨૦૨૪માં અવસાન થયું હતું. મહિલાએ યૂટ્યૂબ પર તાંત્રિક બાબા, બ્લેક મેજીક તાંત્રિક શીફલી, બાબા ગુરુ પ્રતાપ શાહજીના વીડિયો જોયા હતા.
યૂટ્યૂબ પેજ પર નંબર આપ્યા હોવાથી મહિલાએ તેના પતિ અને દીકરાના મોત મામલે જાણકારી મેળવવા ફોન કર્યાે હતો. મહિલાએ અઘોરી બાબા સાથે વાત કરતા તેણે તારા ઘરમાં કોઇએ તાંત્રિક વિદ્યા કરેલી છે જેને દૂર કરવા ૧૦ હજારની માગણી કરી હતી.
મહિલાએ ઓનલાઇન નાણાં મોકલ્યા હતા. યુપીઆઈ આઇડી પર અઘોરી બાબાનું નામ રામ પ્રતાપ ભાર્ગવ હતું. રૂ. ૧૦ હજાર મેળવી લીધા બાદ અઘોરી બાબાએ તમારા પર કોઈએ અઘોરી વિદ્યા કરી હોવાથી મહિલા તાંત્રિક ગુરુ માતાની જરૂર પડશે તેમ કહીને બીજો એક નંબર આપ્યો હતો. સાથે જ મહાકાળી જ્યોતિષનું પેમ્ફલેટ મોકલ્યું હતું.
અઘોરી બાબાએ આપેલા નંબર પર ફોન કરતા વિજેન્દ્રાદેવી નામની મહિલાએ વાત કરી હતી. બની બેઠેલી ગુરુમાતા એવી વિજેન્દ્રાદેવીએ તારી પર પણ કોઇએ મેલી વિદ્યા કરી હોવાથી તું પણ થોડા ટાઈમમાં મરી જઈશ તેવું કહીને મહિલાને ડરાવી હતી.
બાદમાં, બચવા માટે તાંત્રિક વિધિ કરાવવી પડશે અને ૧.૭૩ લાખ આપવા પડશે તેમ કહીને વિધિ નહીં કરાવે અને રૂપિયા નહીં આપે તો તારું પણ મોત થઈ જશે તેવું કહીને મહિલાને ડરાવતા તેણે નાણાં આપ્યા હતા. ત્યારબાદ તારા પર કોઇએ વધારે મેલી વિદ્યા કરી હોવાથી વધુ વિધિઓ કરવી પડશે તેમ કહીને કુરિયર મારફતે વિધિનો સામાન મગાવ્યો હતો.
રૂપિયા આપવા છતાંય કામ ન થતાં મહિલાએ ફરી અઘોરી બાબાને ફોન કર્યાે હતો. ત્યારે અઘોરી બાબાએ તમારા કામમાં બહુ મોટી તકલીફ છે જેથી નાસિક ખાતે તાંત્રિક વિધિ કરવી પડશે અને એક માણસની બલિ આપવી પડશે તેમ જણાવ્યું હતું. મહિલાએ બલિ આપવા કોઇ માણસ ન હોવાનું કહેતા અઘોરી બાબાએ ચાર તાંત્રિક પાસે વિધિ કરાવવી પડશે અને તેનો ખર્ચ ૯.૨૦ લાખ જણાવ્યો હતો. મહિલાએ પતિની બચતના અને વ્યાજે નાણાં લઇને ફરીથી રામ પ્રતાપને આંગડિયા મારફતે ૯.૨૦ લાખ મોકલી આપ્યા હતા.
અઘોરી બાબાએ જણાવ્યું કે તે તેની બહેન ગુરુમાતા વિજેન્દ્રાદેવી સાથે અત્યારે કબ્રસ્તાનમાં છે અને કાળા નાગને માટલીમાં મૂકીને વિધિ કરવા જાય છે. જ્યાં તારા પતિ અને દીકરાની આત્માને બોલાવવી પડશે. આ વિધિના ૩.૧૫ લાખ નહીં આપે તો તારો વિનાશ થઇ જશે તેવી ધમકી આપી હતી.
મહિલાએ તુરંત જ ૩.૧૫ લાખ નાસિક ખાતે આંગડિયા મારફતે મોકલી આપ્યા હતા. આમ, કુલ ૧૪.૧૮ લાખ આપવા છતાંય મહિલાનું કામ ન થતાં તેણે તેના ભાઇને આ બાબતે વાત કરી હતી. જે બાદ મહિલા સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતા આ મામલે વેજલપુર પોલીસે આરોપી રામપ્રતાપ ભાર્ગવ ધનરાજ અને ગુરુમાતા ઉર્ફે વિજેન્દ્રાદેવી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1MS