અમદાવાદના 5 સ્થળો પર ‘વેસ્ટ ટુ આર્ટ’ સ્કલ્પચર સ્થાપિત થશે: 75 સ્થળો પર વોલ મ્યુરલ્સ પેઇન્ટિંગ તૈયાર કરાશે

પ્રતિકાત્મક
અ.મ્યુ.કો. દ્વારા શહેરી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી
- શહેરી વિકાસ સપ્તાહ અંતર્ગત ખાતમુહૂર્ત અને લોકાર્પણ : નાગરિકોને રૂ. 27 કરોડથી વધુના પ્રજાલક્ષી પ્રકલ્પોની ભેટ
- અ.મ્યુ.કો. દ્વારા ‘સેવા’નો સંકલ્પ : 11,000 સફાઈ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ, 1955 સફાઈ મિત્રોને સેફ્ટી કીટ અપાશે
- લાભાર્થીઓ પીએમ સ્વનિધી યોજના અંતર્ગત ચેક વિતરણ,આયુષ્માન હેલ્થ કાર્ડ,આભા કાર્ડ, વયવંદના કાર્ડ, ટીબીના દર્દીઓને ન્યૂટ્રીશન કીટનું વિતરણ થશે
- નવી 11 આંગણવાડીનું લોકાર્પણ તેમજ બાળકોને 2000 પોષણ કીટનું વિતરણ
- શહેરી વિકાસ સપ્તાહ અંતર્ગત સ્ટ્રીટ પ્લે, સ્વચ્છતા રેલી, સાયક્લોથોન અને નિબંધ સ્પર્ધાનું આયોજન
Ahmedabad, ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2005ને શહેરી વર્ષ જાહેર કર્યું હતું અને તે વર્ષ દરમિયાન શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.ગુજરાતની આ શહેરી વિકાસયાત્રાને 20 વર્ષ પૂર્ણ થયા છે અને આ 20 વર્ષો દરમિયાન ગુજરાત નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી બન્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાવેલી શહેરી વિકાસ યાત્રાને વધુ વેગથી આગળ ધપાવવા સંકલ્પબદ્ધ છે અને એટલે જ તેમણે 20 વર્ષ બાદ 2025ને પુનઃ એક વાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.
શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત તેમજ વિકાસ સપ્તાહની ઉજવણી 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર 2025 સુધી કરવામાં આવશે.જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 12 અને 13 ઓક્ટોબર દરમિયાન અમદાવાદ શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરી વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ શહેરમાં 12 અને 13 ઓક્ટોબર દરમિયાન વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કૂલ રૂ.27 કરોડથી વધુના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે.
આ ઉપરાંત અ.મ્યુ.કો.ના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ શહેરના લાભાર્થીઓને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન હેલ્થ કાર્ડ, આભા કાર્ડ, વયવંદના કાર્ડ, ટીબીના દર્દીઓને ન્યૂટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવશે. જ્યારે યુ.સી.ડી વિભાગ દ્વારા શહેરના તમામ વોર્ડમાં પીએમ. સ્વનિધી યોજના અંતર્ગત ચેકનું વિતરણ કરવામાં આવશે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના કૂલ પાંચ સ્થળો પર વેસ્ટ ટુ આર્ટ સ્કલ્પચર સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત નાગરિકો અને શૈક્ષણિક સંસ્થાના બાળકોને જોડીને કૂલ 7 ઝોનના 75 સ્થળો પર વોલ મ્યુરલ્સ પેઇન્ટિંગ થશે. અ.મ્યુ.કો.ના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અમદાવાદ શહેરની હદ વિસ્તારમાં આવેલા જુદા જુદા બ્રિજની સુશોભિતમાં વધારો કરવા બ્રિજના ક્રેશ બેરિયર પર ડિજિટલ પેઇન્ટિંગ કરવામાં આવશે. શહેરમાં 7 મોબાઇલ RRR વાન થકી કૂલ 25 RRR સેન્ટર કાર્યરત કરવામાં આવશે. આ સાથો-સાથ અ.મ્યુ.કો.ના બગિચા ખાતા દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.
શહેરી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર દ્વારા અમદાવાદ શહેરના દરેક મસ્ટર પર કૂલ 11,000 સફાઇ કર્મચારીઓ અને 1955 સફાઇ મિત્રોના હેલ્થ ચેકઅપ માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સફાઇ મિત્રો માટે સેફ્ટી ડ્રાઈવ તેમજ સેફ્ટી કિટનું વિતરણ પણ થશે. એટલું જ નહીં, શહેરના તમામ વૃદ્ધાશ્રમો, મહિલા વિકાસ ગૃહો, ભિક્ષુક ગૃહો,શેલ્ટર હોમ વગરે જેવા સ્થળો પર પણ મેડિકલ કેમ્પ યોજાશે.
આ ઉપરાંત અમદાવાદ શહેરના 7 ઝોનમાં વિષય આધારિત સ્ટ્રીટ પ્લે, સ્વચ્છતા રેલી, સફાઇ અંગે જાગૃતિ અભિયાન, સાંસ્કૃતિ કાર્યક્રમ, સાયક્લોથોન, પોસ્ટર પ્રતિયોગિતા, નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
અ.મ્યુ.કો.દ્વારા કોર્પોરેશનના સફાઇ કામદારોના બાળકોને કારર્કિદી માર્ગદર્શન અને ઉત્સાહ વર્ધન માટે પ્રોત્સાહક કાર્યક્રમ પણ યોજાશે. આ સાથો-સાથ અ.મ્યુ.કો.ના તમામ વોર્ડના કાઉન્સિલરશ્રીઓ તેમજ બાળ વિકાસ યોજનાના અધિકારીશ્રીઓ વોર્ડ દીઠ આંગણવાડીની મુલાકાત લેશે અને નવી નિર્માણ થયેલી કૂલ 11 આંગણવાડીનું લોકાર્પણ પણ કરશે. આ ઉપરાંત 3 થી 6 વર્ષના બાળકોને કૂલ 2000 પોષણ કીટનું વિતરણ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટ વિભાગ દ્વારા શહેરી વિકાસ સપ્તાહના ઉજવણીના ભાગરૂપે તેમજ મેયર કોન્ફરન્સ અને દિવાળીના તહેવારને લઇને 12 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર દરમિયાન અમદાવાદ શહેરના તમામ બ્રીજ પર રોશની કરવામાં આવશે. સાબરમતી નદી પરના કૂલ 7 બ્રિજ તેમજ તમામ ઝોનના અન્ય 45 બ્રિજ રોશનીથી ઝગમગી ઉઠશે. આ ઉપરાંત શહેરના 46 સર્કલ, 7 અંડરપાસ, 11 હેરિટેજ ગેટ અને 2 સ્કલ્પચર પર રોશનની કામગીરી કરવામાં આવશે.