Western Times News

Gujarati News

‘સારથી’થી ‘સંવેદના’ સુધી – વિવિધ નવીન પહેલો થકી શિક્ષણને સુગમ બનાવવાનો સંકલ્પ

File Photo

વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની કાળજી તથા શાળાઓના સુઆયોજિત ડિજિટલાઈઝેશન થકી અમદાવાદ શહેરમાં શિક્ષણ ક્ષેત્રે સર્વાંગી વિકાસ

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેરના વહીવટી સુગમતા સહિત નવીન શૈક્ષણિક અને બિન શૈક્ષણિક આયામોને મળી સફળતા

રાજ્ય સરકારના વિકાસ સપ્તાહની ઉજવણી રાજ્યની અવિરત વિકાસયાત્રા અને સુશાસનના સંકલ્પને ઉજાગર કરે છે. આ ઉજવણીમાં શિક્ષણ ક્ષેત્રે થયેલા પરિવર્તનો હંમેશા કેન્દ્રસ્થાને રહ્યા છે.

અમદાવાદ શહેરની જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ સુશાસનને માત્ર એક નીતિ નહીં, પણ એક સંકલ્પ બનાવીને ‘વિકસિત ગુજરાત’ના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવા સતત પ્રતિબદ્ધતા દર્શાવી છે.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ શહેર દ્વારા શહેરની શાળાઓમાં શરૂ કરાયેલા વિવિધ ડિજિટલ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રોજેક્ટ્સ તથા વહીવટી સુગમતાના આયામો શહેરમાં શિક્ષણને સુગમ બનાવવામાં મહત્વના સાબિત થયા છે.

વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની કાળજી તથા શાળાઓના સુઆયોજિત ડિજિટલાઈઝેશન થકી અમદાવાદ શહેરમાં શિક્ષણ ક્ષેત્રે સર્વાંગી વિકાસ માટેના ‘સારથી’થી લઈને ‘સંવેદના પેટી’ સુધીના આયામોને અનેરી સફળતા મળી છે.

પ્રોજેક્ટ સારથી: વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની દરકાર લેતી પહેલ

ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા શરૂ કરાયેલો ‘પ્રોજેક્ટ સારથી’ એ માત્ર એક પહેલ નથી, પરંતુ એક પરિવર્તનકારી યાત્રા છે.

આ પ્રોજેક્ટ હેઠળ ૩૦૦થી વધુ શાળાઓના ૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઇન્ટરેક્ટિવ વર્કશોપ્સમાં ભાગ લીધો છે. ૬૦૦થી વધુ શિક્ષકોને ‘વેલનેસ ચેમ્પિયન’ તરીકે તાલીમ આપવામાં આવી છે, જેઓ દૈનિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે રોલ મોડેલ બને છે.

પ્રોજેક્ટ સારથીના મુખ્ય આધારસ્તંભ:

  • સ્વસ્થ આહાર અને ફિટનેસ: પોષણ, યોગ, માઇન્ડફુલનેસ અને શારીરિક પ્રવૃત્તિઓ પર ભાર.
  • તણાવ અને પરીક્ષાની ચિંતાનું વ્યવસ્થાપન: શાંત, કેન્દ્રિત અને આત્મવિશ્વાસુ રહેવાની તકનીકો.
  • ડિજિટલ ડિટોક્સ: સ્ક્રીનટાઈમના વ્યસન સામે સંતુલન અને હેતુપૂર્વક જાગૃતિ.
  • ભાવનાત્મક બુદ્ધિમત્તા અને સંબંધો: સહાનુભૂતિ, સીમાઓ અને આત્મસન્માનનું નિર્માણ.

સંવેદના પેટી (Samvedana Peti) – વિશ્વાસનો સેતુ-વિદ્યાર્થીઓ તેમની સમસ્યાઓ ગુપ્ત રીતે શેર કરી શકે તે માટે શાળાઓમાં ‘સંવેદના પેટી’ મૂકવામાં આવી છે. ચિંતા, હતાશા, સતામણી કે વ્યસન જેવી સમસ્યાઓ પર તાલીમ પામેલા શિક્ષકો સહાનુભૂતિ, માર્ગદર્શન અને કાર્યવાહી સાથે પ્રતિભાવ આપે છે, જેનાથી કોઈ પણ વિદ્યાર્થી એકલતા ન અનુભવે.

સારથી હેલ્પલાઇન: ૨૪x૭ માર્ગદર્શન-વિદ્યાર્થીઓ અને શિક્ષકોના શૈક્ષણિક કે વહીવટી પ્રશ્નોનું ટૂંકા સમયમાં નિરાકરણ લાવવા માટે ૨૪x૭ ‘સારથી હેલ્પલાઇન’ (નં. ૯૯૦૯૯૨૨૬૪૮) શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓના વિષય-સંબંધિત કે મનોવૈજ્ઞાનિક પ્રશ્નો ઉકેલવામાં આ હેલ્પલાઇન અત્યંત લાભદાયક સાબિત થઈ છે.

ડિજિટલ ઇનોવેશન: સરળતા અને સુગમતા

શિક્ષણ ક્ષેત્રે વહીવટી કાર્યમાં પારદર્શિતા અને સરળતા લાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે:

  • સંપર્ક સેતુ (Sampark Setu) એપ્લિકેશન:

આ એપ્લિકેશન શાળાઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ જગત વચ્ચેની મહત્વપૂર્ણ કડી છે. તેના દ્વારા વાલીઓ/વિદ્યાર્થીઓ અમદાવાદ શહેરની શાળાઓના સરનામા, ગુગલ મેપ લોકેશન, આચાર્યોના સંપર્ક નંબર અને ઇ-મેઇલ એડ્રેસ મેળવી શકે છે. પરીક્ષા દરમિયાન, વિદ્યાર્થીઓ ગુગલ મેપ દ્વારા તેમના પરીક્ષા કેન્દ્ર પર સરળતાથી પહોંચી શકે છે.

  • RTE સહાયનું સરળ ચૂકવણું:

અમદાવાદ શહેરમાં RTE (Right to Education) હેઠળ પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને એકસમાન સહાય મળી રહે તે માટે એક અદ્યતન ટેકનિકલ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે. આનાથી પ્રવેશ સમયગાળા દરમિયાન તમામ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં એકસાથે સહાય પહોંચાડવાનું અને શાળાઓને સમયસર ફી ચૂકવવાનું કાર્ય સરળ બન્યું છે.

વહીવટી સરળતા: કચેરી આપને દ્વારેઅભિયાન-શાળાઓનો વહીવટી બોજ હળવો કરવા અને કાર્યાલયના કામકાજને સરળ બનાવવા માટે ‘કચેરી આપને દ્વારે’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં, વિવિધ શાખાઓના કાર્યોની સીધી તાલીમ શાળા વિકાસ સંકુલ (SVS) સ્તરે PPT દ્વારા આપવામાં આવી છે.

આમાં RTE પ્રવેશ, નામ-અટક સુધારા, કાઉન્ટર સાઇન, FRC દરખાસ્ત, શિષ્યવૃત્તિ, પેન્શન કેસ વગેરે જેવા વહીવટી કાર્યોની દરખાસ્તો તૈયાર કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ પહેલના પરિણામે વહીવટી પ્રશ્નોના નિરાકરણમાં અભૂતપૂર્વ સફળતા મળી છે. પાછલા ૩ શૈક્ષણિક વર્ષમાં ૧૪૭૦ જેટલા પ્રશ્નો   સંતોષકારક રીતે ઉકેલવામાં આવ્યા છે.

કારકિર્દીના પંથે: સક્ષમ યુવાનિર્માણનો સંકલ્પ-જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેર દ્વારા વિદ્યાર્થીઓની કારકિર્દી સંબંધિત મૂંઝવણ દૂર કરવા ‘કારકિર્દીના પંથે-૨૦૨૪’ પહેલ શરૂ કરવામાં આવી છે. શાળા સ્તરે સાપ્તાહિક કારકિર્દી માર્ગદર્શન સત્ર અને કારકિર્દી કોર્નર તૈયાર કરવામાં આવ્યા છે. દરેક શાળામાંથી એક શિક્ષકને કારકિર્દી કાઉન્સેલર તરીકે તાલીમ આપવામાં આવી છે.

રોજગાર, વ્યવસાય માર્ગદર્શન સંસ્થા, આઈટીઆઈ અને કરિયર ઝોન ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી ઉત્તમ કારકિર્દી બનાવવા માટે વિદ્યાર્થીઓ માટે ‘કારકિર્દી સ્પેશિયલાઇઝેશન’ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

સ્વયં સંચાલિત પુસ્તક પરબ-આજના સોશિયલ મીડીયાના સમયમાં પુસ્તક વાંચનનો શોખ ઘટતો જાય છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે, કચેરીમાં કામ અર્થે આવતા લોકો ઉપયોગ કરી શકે તે હેતુસર એક સ્વયં સંચાલિત પુસ્તક પરબ શરૂ કરવામાં આવી છે. હજારો લોકોએ આ પરબનો લાભ લીધો છે.

ડીજીટલ પ્રશ્ન બેંક-બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા અને વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપે તે હેતુસર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેર દ્વારા કઠીનતા મુલ્યવાળા વિષયો પર શ્રેષ્ઠ સ્કૂલોના તજજ્ઞ શિક્ષકોના ઇનપુટ્સ દ્વારા એક આદર્શ ડીજીટલ પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવે છે. બોર્ડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને તેનો વિશેષ લાભ મળે છે.

પ્રિ-બોર્ડ પરીક્ષા-વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો હાઉ દૂર થાય અને વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાના વાતાવરણનો અનુભવ કરીને અગાઉથી જ પરીક્ષા માટે તૈયાર થાય અને તણાવમુક્ત રીતે પરીક્ષા આપે તે હેતુસર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેર દ્વારા પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં વિકાસ સપ્તાહની ઉજવણી શિક્ષણ ક્ષેત્રે થયેલી આ અનેકવિધ પહેલોને બિરદાવવાનો અવસર છે. અમદાવાદનું ‘સારથી’ મોડેલ દર્શાવે છે કે સુશાસન દ્વારા કેવી રીતે શિક્ષણને માત્ર અભ્યાસક્રમ પૂરતું સીમિત ન રાખતાં, વિદ્યાર્થીઓના સમગ્ર વ્યક્તિત્વ, વિકાસ અને સશક્ત ભવિષ્ય સાથે જોડી શકાય છે. આ અભિયાન ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મજબૂત કદમ છે.

આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.