લોક ભાગીદારી થકી ઘરે ઘરે પાણી મેળવતુ વિરમગામ તાલુકાનું ચંદ્રનગર

PACS અને પાણી સમિતિ દ્વારા પાણીદાર કામ- છેલ્લા વર્ષથી સો ટકા વેરા વસુલાત-લોક ભાગીદારીથી પરિવર્તનનું પ્રેરક મૉડેલ-ચંદ્રનગર ગામની સફળ પાણીની વ્યવસ્થાપન યાત્રા
સરકારશ્રીની વાસ્મો જનભાગીદારી યોજના થકી જનજન સુધી પાણી પહોંચ્યું-મહિલા સશક્તિકરણ- ભગવતીબેન પટેલની કુનેહથી ગ્રાજનોને નિયમિત પાણી મળતુ થયું
અમદાવાદ, પાણીની વિકટ સમસ્યાને લોકભાગીદારી, પ્રતિબદ્ધ નેતૃત્વ અને સંસ્થાગત સહયોગથી વિરમગામ તાલુકાના ચંદ્રનગર ગામે સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો છે. ચંદ્રનગર ગામની આ સફળ યાત્રા ઘણા ગામો માટે પ્રેરણાસ્રોત બની શકે એવી છે.સમર્પિત સ્થાનિક નેતૃત્વ, પ્રજાની સહભાગિતી અને સંસ્થાકીય સુદ્રઢતા એક સાથે કામ કરે, ત્યારે કોઈપણ ગામમાં પરિવર્તન શક્ય બને છે, જે આ ગામે સાબિત કર્યું છે.
ચંદ્રનગર ગામ અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકામાં આવેલું છે. ગામમાં પીવાના પાણીના સંગ્રહની વિકટ પરીસ્થિતી હતી. જેના કારણે પુરતા પ્રેશરથી છેવાડાનાં ઘર સુધી પાણી પહોચાડવામાં ખૂબ જ મુશ્કેલી જણાતી હતી. સ્ટોરેજનો અભાવ તથા લીકેજીસ લાઇનો હતી.
જેથી છેવાડાંનાં ઘર સુધી પાણી અપુરતુ મળતું હતુ. આવા સમયે વાસ્મોની જનભાગીદારી વાળી યોજનામાં જોડાઇ તે વખતનાં સરપંચ શ્રી દિનેશભાઇ પટેલ દ્વારા વાસ્મો પુરસ્કૃત ગ્રામ્ય પેયજળ યોજના મંજૂર કરાવી. જેમાં ઉંચી ટાંકી તથા ગામની મેઇન લાઇન નાંખીને ગામમાં ઉંચી ટાંકી તથા પાઇપલાઇન થકી છેવાડાનાં ઘર સુધી પુરતા પ્રેશરથી તમામ ઘરોમાં પુરતા પ્રમાણમાં પાણી મળવા લાગ્યું.
વાસ્મોની આ યોજના પૂર્ણ થતાં ગામની પાણી સમિતિ તથા હાલમાં PACS (ગ્રામ્ય સેવા સકારી મંડળી) બંનેનાં સમન્વય થકી આજે ગામમાં બોર ઓપરેટર શ્રીમતી ભગવતીબેન પટેલ ની કુનેહ દ્રષ્ટિ તથા આગવી ઓળખ થકી ગામમાં સવારે ૦૨ (બે) કલાક તથા સાંજે ૦૨ (બે) કલાક નિયમિત પાણી વિતરણ કરવામાં આવે છે.
છેલ્લાં પાંચ વર્ષથી શ્રીમતી ભગવતીબેન પટેલ દ્વારા નિયમિત પાણી પુરવઠા ઉપરાંત જો ગામમાં લીકેજીસ જણાય તો પણ તાત્કાલિક દિન-૦૧ માં ગ્રામ પંચાયત તથા PACS સાથે રહીને લીકેજીસને દૂર કરવાની કામગીરી તથા પાણી પુરવઠો નિયમિત કરવાની કામગીરી તાત્કાલિક કરવામાં આવે છે.
હાલમાં ગામમાં આ રીતે યોગ્ય પાણી પુરવઠો છેવાડાંનાં ઘર સુધી નિયમિત અને પુરતો મળી રહે છે. આ બધી કામગીરી બોર ઓપરેટર શ્રીમતી ભગવતીબેન પટેલ કરી રહ્યા છે જે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે
ગામમાં યોજના ટકાઉ બને તે માટે PACS સાથે રહીને PACS ની નિયમિત બેઠકોમાં હાજરી, નિયમિત કલોરીનેશન, તથા પાણીવેરો ઉઘરાવવામાં ડોર ટુ ડોર જવું સહિતની બોર ઓપરેટર શ્રીમતી ભગવતીબેન પટેલની આગવી કામગીરી ઉડીને આંખે વળગે તેવી છે.
ગામમાં પાણી પુરવઠાની કામગીરી ખૂબ જ ઉત્તમ પ્રકારની છે તેમજ ધારાસભ્ય શ્રી હાર્દિકભાઇ પટેલના પ્રયત્નોને પગલે ગામમાં ૧૦૦% નળ કનેકશન, ૧૦૦% પાકા રસ્તા, ૧૦૦% ભૂગર્ભ લાઇન, તથા તળાવની સ્વચ્છતા અને આસપાસનાં સુશોભીત વૃક્ષોથી ગામ ગોકુળીયું લાગે છે.
ગામમાં મરામત અને નિભાવણીની ઉત્તમ પ્રકારની વ્યવસ્થા છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં ગામમાં ૩૦% પાણીવેરા વસુલાત હતી. જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫ નાં વર્ષમાં PACS દ્વારા પાણીવેરા, ઘરવેરા, લાઇટવેરા, સ્વચ્છતાવેરા વિગેરે તમામ પ્રકારનાં વેરાની ૧૦૦% વસુલાત ચંદ્રનગર PACS દ્વારા કરવામાં આવેલ છે.
મંડળીના ચેરમેન શ્રી ત્રિભોવનભાઇ પટેલ તથા સેક્રેટરી શ્રી હરખાભાઇ પટેલ તેમજ ચંદ્રનગર ગામનાં સરપંચ શ્રી ભુદરભાઇ પટેલ દ્વારા ખૂબ જ ઉત્તમ પ્રકારની વેરા વસુલાત કરી મંડળી દ્વારા મરામત અને નિભાવણીની કામગીરી ઉત્તમ પ્રકારની નજરે જોવા મળે છે.
વર્ષ ૨૦૨૪-૨૫ માં ગામની ૧૦૦% પાણીવેરા સહિત તમામ વેરાની વસુલાત કરવામાં આવેલ. જેમાં ગત વર્ષે ઘરદીઠ રૂ.૬૦/- પાણીવેરો ઉઘરાવવામાં આવતો હતો, જે ચાલુ વર્ષે ૨૦૨૫-૨૬ માં રૂ.૬૦/- થી વધારીને રૂ.૩૬૦/- પાણીવેરાની રકમ ગ્રામ પંચાયત તથા PACS દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જેને પણ મોટો ફેરફાર કહી શકાય.
ગામનાં સરપંચ શ્રી ભુદરભાઇ પટેલ તથા સેવા સહકારી મંડળી ચંદ્રનગર દ્વારા આ વર્ષે ૨૦૨૫-૨૬ નાં વર્ષમાં પણ તમામ પ્રકારનાં વેરા ૧૦૦% વસુલાત કરવામાં આવશે, તેવો મક્કમ નિર્ધાર કરવામાં આવેલ છે. આ વેરા વસુલાતનો મક્કમ નિર્ધાર તા:-૨૨-૦૮-૨૦૨૫ નાં રોજ યોજાયેલ PACS મીટીંગ તથા તાલીમ દરમ્યાન વાસ્મો-અમદાવાદનાં જિલ્લા સંયોજક શ્રી ભીખાભાઇ એસ.રબારી પણ ઉપસ્થિત રહ્યા હતા.
મરામત અને નિભાવણીની કામગીરી બાબતે શ્રી ભીખાભાઇ એસ.રબારી દ્વારા વેરા વસુલાતમાં મક્કમતા દાખવવા બદલ PACS ચંદ્રનગરનાં ચેરમેનશ્રી, સેક્રેટરીશ્રી, તથા સરપંચશ્રીને પણ અભિનંદન પાઠવવામાં આવેલ હતા.
આ વર્ષે ૨૦૨૫-૨૬ નું પાણીવેરાનું કુલ માંગણું રૂ.૮૬,૬૦૦/- છે. હાલ પાણીવેરા વસુલાત રૂ.૧૪,૦૦૦/- ની કરવામાં આવેલ છે. ચંદ્રનગર ગામે સહયોગી નેતૃત્વ અને સામૂહિક જવાબદારીથી બતાવ્યું કે જો ઇચ્છા અને આયોજન હોય તો કોઈપણ ગામ સંપૂર્ણ પાણી વ્યવસ્થાપન તરફ આગળ વધી શકે છે.