Western Times News

Gujarati News

BJPના આગેવાનો તાબડતોબ ફાગવેલ કેમ દોડી ગયા? શું છે આખો વિવાદ

બીજી બાજુ કપડવંજ તાલુકાના કેટલાક ગામડાઓના સરપંચોએ જિલ્લા કલેકટર કચેરીએ આવીને મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલ આવેદનપત્ર જિલ્લા કલેકટર કચેરીમાં આપ્યું. 

ફાગવેલને તાલુકાનું વડુમથક રાખવાનો વિવાદ વધુ ઘેરો બન્યો-ફાગવેલને તાલુકાનું વડુમથક ના મળે તે માટે કપડવંજ તાલુકાના સરપંચોએ આવેદનપત્ર આપ્યું

(પ્રતિનિધિ) નડિયાદ, નવ રચિત ફાગવેલ તાલુકાને તાલુકા મથકના વડા મથકના મુદ્દે છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ કપડવંજ તાલુકાના કેટલાક ગામડાઓના સરપંચોએ જિલ્લા કલેકટર કચેરીએ આવીને મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલ આવેદનપત્ર જિલ્લા કલેકટર કચેરીમાં આપ્યું હતું અને ફાગવેલ તાલુકા નું વડુમથક કાપડી વાવ ગામને જ યથાવત રાખવા માંગ કરી છે જેને લઈને વિવાદ ઉગ્ર બની ગયો છે.

સરકાર દ્વારા જયારથી ફાગવેલને તાલુકો જાહેર કર્યો છે. અને તાલુકા મથક તરીકે કાપડિવાવ(ચિખલોડ)ને જાહેર કરવામાં આવ્યો છે. ત્યારથી જ વિરોધનો વંટોળ ફૂંકાયો છે. ફાગવેલને જ તાલુકા મથક અને તાલુકો જાહેર કરવામાં આવે તેવી માંગણી સાથે ફાગવેલ અને તેની આસપાસના ગામડાના પ્રજાજનો આંદોલને ચઢ્યા હતા. તેઓએ રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતુ.

જેને લઇને ભાજપના રાજકિય આગેવાનો તાબડતોબ ફાગવેલ ખાતે દોડી ગયા હતા. તેમજ વિવાદને ડામવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. તેમજ તાલુકાનો વિકાસ થાય છે તે બાબતે સાથ અને સહકાર આપવા માટેની ચર્ચાઓ કરી હતી.

સાથે સાથે જે બાબતને ધ્યાને લઇને મુખ્યમંત્રી સાથે કપડવંજ-કઠલાલના ધારાસભ્યો તથા ખેડા અને મહીસાગરના સાંસદની હાજરીમાં ચર્ચા થયેલી અને સોશિયલ મિડિયાના માધ્યમ થકી કપડવંજ તાલુકાના ગામડાઓના સરપંચોને જાણવા મળ્યુ હતુ કે, ફાગવેલને જ તાલુકો અને તાલુકા મથક તરીકે જાહેર કરવામાં આવશે. જેથી કપડવંજ તાલુકાના પૂર્વ વિસ્તારના ગામડાના સરપંચોએ એક બેઠક કરી હતી. જેમાં તમામ સરપંચોએ સંયુકત રીતે નકકી કર્યું છે

આજે કપડવંજ તાલુકાના કેટલા ગામડાઓના સરપંચોએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે જેમાં જણાવ્યું છે કે , ફાગવેલને તાલુકો જાહેર કરવામાં આવ્યો તેનો કોઈ વાંધો નથી પરંતુ વડુમથક કાપડી વાવ રાખો…જો ફાગવેલ રાખવામાં આવે તો કપડવંજ તાલુકાના પૂર્વ વિસ્તારના ગામોની પ્રજાને આશરે ૨૫-૩૦ કિ.મી.નું વધારાનું અંતર કાપવું પડશે.

જેના કારણે ગરીબ પ્રજાને મોટું આર્થિક તથા સમયનું નુકસાન થશે. વધુમાં કપડવંજ તાલુકાના પૂર્વ વિસ્તારના ગામોથી ફાગવેલ સુધી સીધી પરિવહન સુવિધા ઉપલબ્ધ નથી. જેના કારણે પ્રજાને ભારે તકલીફો ઊભી થશે… જો વડુમથક ફાગવેલ જાહેર કરશો તો અમને વિરોધ વાતો છે અને અમો ના કપડવંજ તાલુકાના પૂર્વ વિસ્તારના ગામો હાલના કપડવંજ તાલુકામાં જ રહે તેવી માંગણી કરી છે.

સાથે સાથે જો આ ન્યાયસંગત રજૂઆતને માન્યતા નહીં આપવામાં આવે તો સ્થાનિક પ્રજામાં અસંતોષ ફેલાશે અને લોકઆંદોલન ઊભું થશે. જેના કારણે પક્ષને પણ નુકશાન થશે. આ બાબતને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમારી માંગણીઓ માટે અમે આંદોલન કરશુ. તેવી ચિમકી પણ ઉચ્ચારી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.