ગોતામાં કેન્સરના ચોથા સ્ટેજના દર્દીઓ માટે પેલીએટિવ કેર સેન્ટર બનાવવામાં આવશે

AI Image
કેન્સરના દર્દીઓ પૈકી સારવાર શક્ય ના હોય એવા સંજોગોમાં દર્દીઓને જરૂર જણાય એવા કેસોમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા જેવી સારવાર પણ તદ્દન મફત આપવામાં આવશે.
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવદા શહેરના ગોતા વિસ્તારમાં રૂ. ૯ કરોડના ખર્ચે કેન્સરના ચોથા સ્ટેજના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે પેલીએટિવ કેર સેન્ટર તૈયાર કરવામાં આવશે. NGO દ્વારા આ માટે કોર્પોરેશન સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી અને તેને મંજુરી મળ્યા બાદ હાલમાં કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા NGOની કાર્યવાહી હાલમાં ચાલુ છે.
સેન્ટરમાં શરૂઆતના ધોરણે ૩૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં દર્દીઓને પેલીએટિવ સિમટોમેટિક સારવાર તથા જરૂર જણાય તેવા કિસ્સામાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરી નિઃશુલ્ક સારવાર અપાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં ચોથા સ્ટેજના કેન્સરના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે પેલીએટિવ કેર સેવા માટે ગુણવત્તાસભર ‘પેલીએટીવ કેર સેન્ટર’ બનાવવાની જરૂરિયાત જણાતા શ્યામ ઓનકોલોજી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ (કરૂણાલય) દ્વારા આ અંગે પ્રપોઝલ આપવામાં આવી હતી. જેના અનુસંધાને આ અંગે જરૂરી આનુષાંગીક કાર્યવાહી કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરીને મંજુરી મેળવવામાં આવી હતી.
આ મંજુરી મળ્યા બાદ ગોતા વિસ્તારમાં ટી.પી. ૪૩/એ, એક.પી. ૨૨૪(એન.સી.) ૨ હજાર ચો.મી. પ્લોટ ખાતે ‘પેલીએટીવ કેર સેન્ટર’ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પેલીએટીવ કેર સેન્ટર તૈયાર કરવા પ્લોટ ફાળવણી, કન્સ્ટ્રક્શન ખર્ચ, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ તથા અન્ય વિગતો અંગે જરૂરી શરતો અને કાર્યવાહી કરવા અંગે શ્યામ ઓનકોલોજી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ (કરૂણાલય) સંસ્થા સાથે એસ્ટેટ (મધ્યસ્થ કચેરી) વિભાગ દ્વારા ર્સ્ંેં કરવાની આનુષાંગીક કાર્યવાહી ચાલુ છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં શ્યામ ઓનકોલોજી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ (કરૂણાલય) દ્વારા પેલીએટીવ કેર સેન્ટર કાર્યરત થયા બાદ ત્રીજા અને ચોથા સ્ટેજના કેન્સરના દર્દીઓને કેન્સરમાં અપાતી સારવાર રેડીએશન, કીમો તથા સર્જરી પછી માનસિક અને શારીરિક પીડામાં ઘટાડો કરી શકે તેવી ગુણવત્તાસભર ખર્ચાળ પેલીએટિવ સિમટોમેટિક સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે.
આ ઉપરાંત કેન્સરના દર્દીઓ પૈકી સારવાર શક્ય ના હોય એવા સંજોગોમાં દર્દીઓને જરૂર જણાય એવા કેસોમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા જેવી સારવાર પણ તદ્દન મફત આપવામાં આવશે. તેમજ તેમના ફેમિલીને સતત સપોર્ટ મળી રહે તે માટે દર્દીને પીડા ઘટાડી શકાય એવી જરૂરી સારવારથી દર્દીઓ જેટલું જીવે સારું જીવી શકે છે. આ પેલીએટિવ કેર સેન્ટર શરૂઆતના ધોરણે ૩૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન છે. જેના માટે અંદાજિત રૂ. ૯ કરોડ ખર્ચ થવાનો અંદાજ છે.