Western Times News

Gujarati News

IPS અધિકારીએ ગોળી મારીને આત્મહત્યા કરી લેતા ચકચાર

ગુડગાંવ, હરિયાણા કેડરના આઈપીએસ અધિકારી વાય પુરન કુમાર ચંડીગઢ સ્થિત તેમના ઘરે મૃત હાલમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે.

ચંડીગઢમાં સેક્ટર ૧૧માં તેમના ઘરના બેઝમેન્ટમાં તેમણે કથિત રીતે સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી. તેઓ હરિયાણા ખાતે અધિક પોલીસ મહાનિર્દેશકના હોદ્દા પર હતા.

પ્રાથમિક તપાસમાં આઈપીએસ અધિકારીએ આત્મહત્યા કરી હોવાનું જણાયું છે. ચંડિગઢ પોલીસને ઘટનાની જાણ થતા તે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.આત્મહત્યામાં વપરાયેલી રિવોલ્વર પોલીસે જપ્ત કરી હતી.

ફોરેન્સિક નિષ્ણાતો ઘટનાસ્થળની તપાસ કરી રહ્યા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આત્મહત્યા પાછળનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. પોલીસ પરિવાર તથા સ્ટાફના લોકોના નિવેદન લેવાની કામગીરી કરી રહી છે.

આઈપીએસ વાય પુરન કુમારના પત્ની અમનીત પી કુમાર હરિયાણા કેડરના આઈએએસ અધિકારી છે. તેઓ હાલમાં હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીની અધ્યક્ષામાં એક પ્રતિનિધિમંડળ સાથે જાપાન ગયા છે.પુરન કુમારની ૨૯ સપ્ટેમ્બરમાં રોહતકની સુનારિયા જેલ ખાતે બદલી કરાઈ હતી.આ જેલમાં જાણીતા ડેરા સચ્ચા સોદાના બાબા રામ રહીમ બળાત્કાર તથા અન્ય ગુના હેઠળ સજા કાપી રહ્યા છે.

આ ઘટનાની જાણ થતા હરિયાણા પોલીસ અને ચંડિગઢ વહીવટી તંત્રના અનેક વરિષ્ઠ અધિકારીઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તેની વિગતોની રાહ જોવાઈ રહી છે. કુમાર પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ નળી નહીં હોવાનું પોલીસે જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.