બિહારની અંતિમ યાદીમાંથી હટાવાયેલા ૩.૬૬ લાખ મતદારોની વિગતો આપોઃ સુપ્રીમ

નવી દિલ્હી, બિહારમાં યોજાયેલી વિશેષ મતદાર યાદી સુધારણા (એસઆઈઆર)ની કવાયત બાદ જારી કરાયેલી અંતિમ યાદીમાં કમી કરાયેલાં ૩.૬૬ લાખ મતદારોની વિગતો પૂરી પાડવા સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ કર્યાે છે.
કેસની સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને માહિતી આપતાં જણાવ્યું હતું કે, યાદીમાં ઉમેરવામાં આવેલા પૈકીના મોટાભાગના નામ નવા મતદારોના છે, એટલું જ નહીં જે મતદારોના નામ કમી કરાયા છે તેમના તરફથી હજી સુધી કોઈ ફરિયાદ કે અપીલ ફાઈલ કરાઈ નથી.
જસ્ટિસ સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે, ૯ ઓક્ટોબરે યોજાનારી એસઆઈઆર કેસની આગામી સુનાવણી દરમિયાન ચૂંટણી પંચ મતદાર યાદીમાંથી કમી કરાયેલાં નામોની જે કોઈ વિગતો હોય તે કોર્ટમાં રજૂ કરશે.
બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે, દરેક પાસે કાચી મતદાર યાદી છે તથા ૩૦ સપ્ટેમ્બરના રોજ અંતિમ યાદી પણ પ્રકાશિત કરી દેવાઈ હોવાથી તુલનાત્મક વિશ્લેષણ દ્વારા જરૂરી માહિતી રજૂ કરી શકાશે.
જસ્ટિસ બાગચીએ ચૂંટણી પંચ વતી હાજર રહેલાં વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીને જણાવ્યું હતું કે, સર્વાેચ્ચ અદાલતના આદેશોને પગલે મતદાર યાદીની પ્રક્રિયા વધુ પારદર્શક અને સુલભ બની છે.
બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે, અંતિમ મતદાર યાદીના આંકડા જોતાં એવું જણાય છે કે, કાચી યાદીની તુલનાએ અંતિમ યાદીમાં મતદારોની સંખ્યામાં વધારો થયો છે, આથી આ મુદ્દે કોઈ પણ પ્રકારની ગૂંચવણને નિવારવા માટે ઉમેરાયેલાં નામોની ઓળખ જાહેર થવી જરૂરી છે.
બેન્ચના જણાવ્યાં અનુસાર, ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલી કાચી યાદીમાં ૬૫ લાખ મતદારોના નામ દૂર કરાયાં હતાં. તે વખતે અમે કહ્યું હતું કે, મૃત્યુ પામેલાં કે અન્યત્ર સ્થળાંતર કરનારા લોકોના નામ દૂર કરવાનું પગલું યોગ્ય છે. પરંતુ જો તમે કોઈનું નામ કમી કરી રહ્યાં હોવ તો તમારે નિયમ ૨૧ તથા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરવું જોઈએ.SS1MS