૮૩ વર્ષની માતાના ૬૫ વર્ષના પુત્ર સામે ભરણ પોષણના કેસમાં અદાલતનું અવલોકન

અમદાવાદ, ૮૩ વર્ષની માતાનો ૬૫ વર્ષના પુત્ર સામે ભરણપોષણનો કેસનો મામલો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. આ મામલે મહેસાણા કોર્ટે સાવકી માતાને દર મહિને પાંચ હજાર ચૂકવવાનો વચગાળાનો હુકમ કર્યાે હતો, જેની સામે સ્ટે માટે પુત્રે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
જેમાં હાઇકોર્ટે એવી મર્મસ્પર્શી મૌખિક ટકોર કરી હતી કે,‘આપણી સંસ્કૃતિ કૃષ્ણની છે, જ્યાં દેવકી અને યશોદા બંને માતા ગણાય છે.’ હાઇકોર્ટે અરજી ફગાવવાનું વલણ દાખવતા અરજદાર પક્ષે સૂચના લઇ કોર્ટમાં રજૂ કરવાની રજૂઆત કરી હતી.
મહેસાણાથી એક ૬૫ વર્ષીય વ્યક્તિએ નીચલી કોર્ટ દ્વારા અપાયેલા વચગાળાના હુકમ સામે સ્ટે માગતી અરજી કરી હતી. આ કેસમાં અરજદારની ૮૩ વર્ષીય સાવકી માતાએ તેની પાસેથી ભરણ પોષણ મેળવવા મહેસાણાની કોર્ટમાં કેસ કર્યાે છે. જેમાં મહેસાણાની કોર્ટે સાવકા દીકરાએ સાવકી માતાને દર મહિને પાંચ હજાર રૂપિયા ભરણપોષણ ચૂકવવા વચગાળાને હુકમ કર્યાે છે.
દીકરાએ હાઇકોર્ટમાં સ્ટે માટે કરેલી અરજીમાં ચડેલી રકમના ૫૦ ટકા જે ૨૦ હજાર રૂપિયા જેવી થવા જાય છે, તે ચૂકવી હતી.આ અરજી સંદર્ભે હાઈકોર્ટે અરજદારને પૂછ્યું હતું કે, તમે એવું કઈ રીતે કહી શકો કે સાવકી માતાને ભરણપોષણની જરૂર નથી. અરજદાર દ્વારા જણાવાયું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સાવકી માતાને બાળક ના હોય તો જ તે સાવકા બાળકો પાસેથી ભારણ પોષણ મેળવવા હકદાર છે. અહીં સાવકી માતાને ચાર દીકરી છે. સાવકી માતા પોતાની સગી દીકરી સાથે રહે છે.
અરજદારને એક સગો ભાઈ પણ છે, છતાં અરજદાર પાસે જ ભરણ પોષણ માગવામાં આવ્યું છે. કોર્ટે અરજદારને કહ્યું હતું કે, તેઓ ટેકનિકલ રીતે સાચા છે, પરંતુ શું એક પુત્રે ૮૩ વર્ષની વૃદ્ધ માતાને મદદ કરવી જોઈએ નહીં.
અરજદારે કહ્યું હતું કે, તે પોતે ૬૫ વર્ષના છે અને નિવૃત્ત છે. જેથી કોર્ટે પ્રશ્ન કર્યાે હતો કે શું તમને લાગે છે કે એક સિનિયર સિટીઝન કોઈ કારણ વગર આવી અરજી કરે. તમારા પિતાની બધી પ્રોપર્ટી વસિયત મુજબ દીકરાઓને મળી તો માતાની જવાબદારી પણ તમારી છે. તમે સાચા પણ છો, પરંતુ તમારી માતાની ઉંમર ૮૦ વર્ષ કરતાં વધુ છે. તેમના ખોરાકનો ખર્ચ, તેમની દવાઓના ખર્ચ કરતા પણ ઓછો હોય.
અરજદારે કહ્યું હતું કે, સાવકી માતા પહેલા તેમની સાથે રહેતા હતા, પરંતુ પછી દીકરીઓ સાથે રહેવા જતા રહ્યા હતા. તે ઇચ્છે તો પુત્ર સાથે રહી શકે છે. જોકે, હાઇકોર્ટે કહ્યું હતું કે, સ્વમાન અથવા અમુક કારણોસર તેમએ આવું કર્યું હોઇ શકે, આ પ્રશ્નનું સમાધાન લાવો. અરજદારના પિતાની વસિયત મુજબ પુત્રોએ માતાનું ધ્યાન રાખવાનું છે.
માતાની બધી જરૂરિયાત સારી રીતે સંતોષાય તેનો ખ્યાલ રાખવાનો છે. પ્રોપર્ટી મળી છે તો જવાબદારી પણ નિભાવો.અરજદારે કહ્યું હતું કે, તેમના પિતા દ્વારા કરાયેલી વસિયત નોટરાઈઝ નથી. જેથી હાઇકોર્ટે કહ્યું હતું કે, તો પછી તમે પ્રોપર્ટીના માલિક નથી તેમ કહી શકશો. માતા એ માતા હોય, સાવકી કે સગી નહીં. આપણે કૃષ્ણની સંસ્કૃતિ ધરાવીએ છીએ, જેમના માતા તરીકે દેવકી અને યશોદા બંને હતા.
જો જવાબદારી નહીં, તો પ્રોપર્ટી કેમ. એક વખત ડોક્ટર પાસે જઈએ તો કેટલો ખર્ચ થાય. કરિયાણા અને શાકભાજીનો ભાવ ખબર છે. હાઇકોર્ટે અરજી રદ કરવાનું વલણ ધરાવતા અરજદારના વકીલ અરજદારના સૂચન મુજબ કોર્ટમાં જવાબ રજૂ કરવાની વિનંતી કરી છે.SS1MS