Western Times News

Gujarati News

ચંડોળાના અસરગ્રસ્તોને મકાન ફાળવણી ઝડપથી કરવા રજુઆત

કોંગ્રેસ દ્વારા દક્ષિણ ઝોન ના ડે. કમિશનર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

 (પ્રતિનિધિ) અમદાવાદ,  શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવમાં રહેલા તમામ દબાણો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. વર્ષ 2010 પહેલા રહેનારા તેમજ જેમની પાસે રહેઠાણના પુરાવા આવો હોય તેવા લોકોને મકાન આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અરજીઓ મંગાવવામાં આવી હતી

જોકે છેલ્લા એક મહિનાથી કોર્પોરેશન દ્વારા અરજી મામલે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા 8 ઓક્ટોબરના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા અને દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણ દ્વારા ચંડોળા વાસીઓ સાથે મણિનગર દક્ષિણ ઝોનની ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. બે મહિનામાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી અને ચંડોળાવાસીઓને મકાન આપવા અંગેની માંગ કરી હતી.

 વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે ચંડોળા ખાતે 50 વર્ષથી વધુ સમયથી રહેતા ભારતીય ગરીબ લોકોના મકાનો તોડી નાખવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ  2010ની પોલીસી મુજબ ચંડોળા ખાતે ભારતીય ગરીબ લોકોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે EWS આવાસ યોજના હેઠળ આવાસો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મકાનો આપવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી

અને મકાનો તોડયાંને પાંચ માસથી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી તેઓને આવાસ ફાળવવામાં આવ્યા નથી. 2300 જેટલા નાગરિકો દ્વારા અરજી કરવામાં આવી છે પરંતુ હજી આ તમામ અરજીઓનું સમયસર નિકાલ કરવામાં આવ્યો નથી.

EWS આવાસ મેળવવા માટે AMC દ્વારા 10  હપ્તામાં કુલ ત્રણ લાખ ભરવા બાબતે અસરગ્રસ્ત લોકોને મ્યુ.કોર્પો. દ્વારા જણાવવામાં આવ્યું છે પરંતુ તેઓ અંત્યત ગરીબ પરિવારના લોકો છે. તેઓ દર માસે રૂ. 30000 ભરવા અસમર્થ છે.

તેઓ મજુરી કામ કરી રોજનું રોજ કમાઈને પરિવારનું ભરણપોષણ મહામુશ્કેલીથી કરે છે જેથી મજુરી કામ કરી રોજનું રોજ કમાઈને પરિવારનું ભરણપોષણ કરતાં લોકો માટે માનવતાના ધોરણે તેઓના હપ્તાની સમય મર્યાદા 10 માસથી વધારી કુલ 36 માસ કરી આપવામાં આવે તો તેઓ સરળતાથી હપ્તાની રકમ ભરી શકે અને દર માસે નાણાંકીય બોજો પણ ઓછો પડે જેથી પોતાના પરિવારનું ભરણપોષણ પણ સહેલાઇથી કરી શકે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.