જલાલપોરના વડોલી ગામે મંદિરની દાનપેટી તોડવાનો પ્રયાસ કરનારા બે પકડાયા

AI Image
સુરત, જલાલપોર તાલુકાના વડોલી ગામ સ્થિત ખોડીયાર માતાના મંદિરની દાનપેટીને ગત શનિવારની બપોરે બે ઇસમોએ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ બંને ઇસમોને મરોલી પોલીસે સોંપવામાં આવ્યા હતા.
વડોલી ગામ ખાતે આવેલ ખોડિયાર માતાના મંદિરના દરવાજા દિવસ દરમ્યાન ખુલ્લા રહેતા હોય છે, જેનો લાભ ઉઠી, બે અજાણ્યા ઇસમોએ શનિવાર બપોરના સમયે મંદિરમાં પ્રવેશી દાનપેટી તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે દરમ્યાન ગામના પટેલ ફળિયામાં રહેતા ૫૩ વર્ષીય પુરુષ, નગીનભાઈ પટેલ મંદિરમાં આવતા, તેમણે આ બંને ઇસમોને દાનપેટી સાથે ચેડા કરતા જોતા તેમણે બૂમાબૂમ કરી.
નગીનભાઈએ પીછો કરી સ્થાનિકોની મદદથી બંનેને પકડી લીધા હતા. આરોપીઓની પુછપરછમાં તેમણે પોતાની ઓળખ વિજલપોરના સુમિત્રાનગર ખાતે રહેતા પ્રભાકર સરસૈ અને તિપુરા રોડ સ્થિત આશીક નગર ખાતે રહેતો સમીર સલીમ હીરાની તરીકે આપી હતી.
મરોલી પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી તેમની વિરૂધ્ધ બીએનએસ-૨૦૨૩ ની કલમ ૪૫૪ અને ૫૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.