નવસારીમાં હીરાના યુનિટોમાં દિવાળી વેકેશન વહેલું, હીરાના કારખાનેદારોને કારીગરોની અછતની ચિંતા

દ.ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદી ઘેરી બની
દ.ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદીની સ્થિતિ દિવાળી અગાઉ જ વધુ ઘેરી બની છે. જેની અસર નવસારીના હીરા ઉદ્યોગ પર પણ પડી છે. નવસારીમાં હીરાના એકમોમાં દરવર્ષે ધનતેરસથી દિવાળી વેકેશન પડે છે, પરંતુ ચાલુ વર્ષે હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન ૧૦ દિવસ વહેલું એટલે કે, દસમી ઓક્ટોબરથી જ શરૂ થઈ જવાની શક્યતા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પોલિશ્ડ હીરાની માંગ ઓછી થતા, હીરાના કારખાનેદારો વહેલું વેકેશન જાહેર કરવા લાચાર બન્યા છે. એક તરફ પોલિશ્ડ હીરાની માગ ઘટી ગઈ છે, અને કોઈક ખરીદદાર મળે તો તે ખુબ જ ઓછા ભાવે માંગે છે. જેની સામે રફ હીરાનો ભાવ અત્યંત વધી ચુક્યો છે.
હીરાઉદ્યોગના જાણકારોને મતે હાલની મંદી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલ યુધ્ધની સ્થિતિ, ટ્રમ્પની ૫૦ ટકા ટેરીફ લાદવા જેવી નીતિ વિગેરેની ગંભીર અસરો જવાબદાર છે.
વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાને લઈને હીરાની માંગ ઘટી છે. મંદીને લઈને વતન ગયેલા રત્ન કલાકારો વેકેશન બાદ પરત ફરશે કે કેમ તેની ચિંતા કારખાનેદારોને સતાવી રહી છે. કેટલાક સારા કારીગરોએ હીરા ઘસવાનું કામ છોડી અન્ય ધંધા અપનાવી લીધા છે.
જો વેકેશન બાદ કારીગરો પરત ન કરે તો, કારીગરોની મોટા પાયે અછત સર્જાવાની શક્યતા રહેલ છે. નાના કારખાનાઓ બંધ થવાને આરે આવી ગયા છે. આગામી ક્રિસમસના તહેવાર સમયે હીરા ઉદ્યોગમાં તેજી આવવાની શક્યતા છે, પરંતુ ટ્રમ્પ દ્વારા લદાયેલ ટેરીફને કારણે હાલત બગડી છે.