Western Times News

Gujarati News

યુએસની યુનિ.માં પાંચ ટકાથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં

વોશિંગ્ટન, ભારતીય વિદ્યાર્થીઓને ફટકો પડે તેવી એક હિલચાલમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે અમેરિકન યુનિવર્સિટીઓમાં ઇન્ટરનેશનલ અંડરગ્રેજ્યુએટ્‌સ વિદ્યાર્થીઓના પ્રવેશ પર ૧૫ ટકા મર્યાદા લાદવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ અમેરિકાની કોઇપણ યુનિવર્સિટી કોઇ એક દેશના ૫ ટકાથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં.

આનાથી ભારતના વિદ્યાર્થીઓ માટે પણ ૫ ટકાની મર્યાદા આવશે. આ મહિનાની શરૂઆતમાં વ્હાઇટ હાઉસે નવ યુનિવર્સિટીઓને એક મેમો મોકલ્યો હતો, જેમાં સરકારી સહાયને નવી શરતો સાથે જોડવાની દરખાસ્ત છે.

આ દરખાસ્ત મુજબ યુનિવર્સિટીઓએ સરકારી ફંડિંગ મેળવવું હશે તો આંતરરાષ્ટ્રીય અંડરગ્રેજ્યુએટ્‌સ વિદ્યાર્થીઓની સંખ્યાં ૧૫ ટકા સુધી મર્યાદિત કરવી પડશે અને કોઈપણ એક દેશના વિદ્યાર્થીઓની સંખ્યાને ૫ ટકા સુધી સીમિત રાખવી પડશે.

વધુમાં જે સંસ્થાઓ પહેલાથી જ આ મર્યાદાઓ ઓળંગી ગઈ છે, તેમના માટે નવા કડક ક્વોટાનું પાલન કરવા માટે વર્તમાન વર્ગાેમાં ઘટાડો કરવો પડશે.આ મેમો સાર્વત્રિક નીતિ નથી એટલે કે તે તમામ યુનિવર્સિટીને લાગુ પડતો નથી, પરંતુ તે કેટલીક યુનિવર્સિટીઓને ટાર્ગેટ બનાવે છે અને શરતી છે. હાલમાં સરકારે નવ યુનિવર્સિટીઓને વિદેશી વિદ્યાર્થીઓ પર મર્યાદાનું અલ્ટીમેટમ આપ્યું છે.

આ યુનિવર્સિટીમાં મેસેચ્યુસેટ્‌સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી , યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, યુનિવર્સિટી ઓફ એરિઝોના, બ્રાઉન યુનિવર્સિટી, ડાર્ટમાઉથ કોલેજ, યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, યુનિવર્સિટી ઓફ ટેક્સાસ, યુનિવર્સિટી ઓફ વર્જિનિયા, વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

એજ્યુકેશન કન્સલ્ટન્ટ્‌સે જણાવ્યું હતું કે જો અમલમાં મૂકવામાં આવશે, તો તાજેતરના વર્ષાેમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે આ સૌથી મોટા નિયંત્રણો હશે.

લોન્ચએડ ગ્લોબલના સહ-સ્થાપક રિતેશ જૈને જણાવ્યું હતું કે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના પ્રવેશ પર ૧૫ ટકાની મર્યાદિત રાખવાથી અને કોઈપણ એક દેશને ૫ ટકા સુધી મર્યાદિત રાખવાથી ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં અભ્યાસની તકોમાં તાત્કાલિક મોટો ઘટાડો થશે. પરંપરાગત રીતે ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકા ટોચની પસંદગી રહી છે.

આ ટોચમર્યાદાનો અર્થ એ થાય છે કે જો ભારત માટેનો ૫ ટકા ક્વોટા ભરાઈ જશે તો ઉચ્ચ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે નહીં. આવા પગલાંની અસર માત્ર એડમિશન પૂરતી સીમિત નહીં હોય.ઘણા લોકો અમેરિકાની જગ્યાએ કેનેડા, યુકે અથવા જર્મની જેવા દેશો તરફ વળી શકે છે.આવા નિયંત્રણોથી અમેરિકાની ટેલેન્ટ પાઇલપાઇન એટલે કે ભવિષ્યની પ્રતિભા પણ નબળી પાડશે.

આવા પગલાથી કુશળ વૈશ્વિક પ્રતિભાઓને અને ખાસ કરીને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને આકર્ષવાની અમેરિકાની ક્ષમતા પર અસર થશે. એક રિપોર્ટ ૨૦૨૩-૨૪ મુજબ ભારતીય વિદ્યાર્થીઓ એક શૈક્ષણિક વર્ષમાં ટ્યુશન, રહેઠાણ અને રહેવાના ખર્ચ દ્વારા યુએસ અર્થતંત્રમાં કુલ આશરે ૧૨.૫ અબજ ડોલરનું યોગદાન આપે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.