કોઈનું લાઈસન્સ બતાવી ગઠિયાએ ડ્રાઈવર બનીને ૩૬ લાખનો માલ લઈ ગયો

અમદાવાદ, અસલાલીના ટ્રાન્સપોર્ટર સાથે એક ગઠિયાએ વિચિત્ર પ્રકારની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટરે વાપી અને ભીવંડી માલ મોકલવા માટે દલાલ થકી ટ્રક બૂક કરાવી હતી. માલ લેવા આવનારા શખ્સે કોઇ ડ્રાઇવરનું લાઇસન્સ બતાવીને ડ્રાઇવરની ખોટી ઓળખ આપીને ૩૬.૪૬ લાખનો માલ લઇને નીકળી ગયો હતો.
નિયતસ્થળે માલ ન પહોંચતા આ નકલી ડ્રાઇવરની કરતૂતનો પર્દાફાશ થયો હતો. નારોલમાં રહેતા જસબીર નહેરા અસલાલીના જામનગર એસ્ટેટમાં આવેલા ટ્રાન્સપોર્ટમાં મેનેજર છે.
ટ્રાન્સપોર્ટરને તા.૨૫મીએ વાપી અને ભીવંડી ખાતે કાપડના રોલ તથા ગાંઠોનો ઓર્ડર મળ્યો હતો. જે માલ મોકલવા માટે તેમણે ૧૧ હજારના ભાડાથી ટ્રક બૂક કરાવી હતી.
ટ્રક લઇને ડ્રાઇવર સંજય યાદવ આવ્યો હતો અને ૧૬૯ કાપડના રોલ અને ગાંઠો ભરીને ડિલિવરી માટે નીકળી ગયો હતો. બીજા દિવસે નિયત જગ્યાએ માલ ન પહોંચતા જસબીરભાઇએ ડ્રાઇવરને ફોન કરતા તેનો ફોન બંધ આવ્યો હતો.
જેથી ટ્રક આપનાર બ્રોકરને ફોન કરતા તેણે ટ્રક માલિકને ફોન કરતા ડ્રાઇવરની તબિયત ખરાબ હોવાથી તે સુરતમાં સારવાર હેઠળ હોવાની જાણ થઇ હતી. બીજા દિવસે પણ માલ ન પહોંચતા ડ્રાઇવરને ફોન કરીને જીપીએસ ટ્રેક કરીને જસબીરભાઇએ પાંચ માણસો રવાના કર્યા હતા.
ત્યારે કીમ ચોકડી પાસેથી ગાડી મળી હતી પરંતુ માલ ગાયબ હતો. જેથી સંજય યાદવ નામના લાઇસન્સની તપાસ કરતા માલ ભરી જનાર વ્યક્તિ અને લાઇસન્સ વાળો વ્યક્તિ અલગ હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ લાઇસન્સની નકલ મેળવીને ડ્રાઇવર બનીને ખોટી ડ્રાઇવરની ઓળખ આપીને ૩૬.૪૬ લાખનો માલ સગેવગે કર્યાે હતો. આ મામલે પોલીસને જાણ કરાતા અસલાલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS