Western Times News

Gujarati News

કચ્છમાં વાગડના રતનપર નજીક પાકિસ્તાની ‘પ્રેમી યુગલ’ ઝડપાયું

ભુજ, વર્ષ- ૧૯૯૯માં કચ્છના સરહદી વિસ્તારમાં રેફ્યુજી ફિલ્મનું નિર્માણ કરાયું હતું જેમાં અભિનેતા પોતાની પ્રેમિકાને મળવા માટે પાકિસ્તાનથી સરહદ ઓળંગીને અવારનવાર કચ્છ આવી પહોંચતો હોય છે.

રેફ્યુજી ફિલ્મનું ‘પંછી નદિયા પવન કે ઝોકે, કોઈ સરહદ ના ઈન્હે રોકે..’ ગીત જાણીતું બન્યું હતું. પ્રેમ કોઈપણ પ્રકારની સરહદ પણ ઓળંગાવી શકે છે તેવી ઘટના આજે વધુ એક વખત કચ્છમાંથી બહાર આવી છે. પાકિસ્તાનમાં રહેતું પ્રેમી યુગલ ભારત- પાકિસ્તાનની સરહદને ઓળંગી દોઢ દિવસ ડુંગર પરથી પસાર થઈને વાગડ પંથકના મુખ્ય મથક રાપર ગામ નજીક રતનપરમાં આવી પહોંચ્યું હતું. જો કે, સ્થાનિક જાગૃત લોકોએ બુધવારે સવારે ભાષા શંકાસ્પદ જણાતાં પોલીસને જાણ કરી હતી.

ખડીર પોલીસે પ્રેમીયુગલની પૂછપરછ અને તબીબી તપાસણી હાથ ધરી છે.રતનપર ગામના જંગલ વિસ્તારમાં આવેલા સાંગવારી માતાજીના મંદિર પાસે આવેલા તળાવ પાસે શંકાસ્પદ લાગતા આ યુગલની જાણ લાકડા કાપવાનું કામ કરતા શ્રમજીવીઓને થતાં તેમણે રતનપર ગામના સરપંચને કરી હતી.

સરપંચે આ અંગે ખડીર પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ, એસઓજી સહિત સુરક્ષા એજન્સીઓ સ્થળ પર આવીને તપાસ કરતા માલુમ પડયું હતું કે, આ શંકાસ્પદ પ્રેમી યુગલ મુળ પાકિસ્તાનનું છે.

પુછપરછ દરમિયાન પ્રેમી યુગલે પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઈસ્લામકોટ તાલુકાના લસરી ગામના શિવ મંદિર પાસે રહેતા હોવાનું કબુલ્યું હતું. પ્રેમીનું નામ તોતો ઉર્ફે તારા તેમજ પ્રેમિકા મીના ઉર્ફે પુજા બહાર આવ્યું છે.

ખડીર પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. વી.એ. ઝા એ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના થરપારકરનું રહેવાસી પ્રેમી યુગલ રાતોરાત સરહદ ઓળંગીને આવ્યું છે.

હાલમાં બંનેની પુછપરછ ચાલી રહી છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ પુછપરછ કરવામાં આવી રહી છે. પુરપરછ બાદ બંનેને જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં મોકલી અપાશે.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં પ્રેમી યુગલ પોતાની ઊંમર ૧૬ અને ૧૫ વર્ષની હોવાનું કહે છે. જો કે, પોલીસને બંનેની ઊંમર શંકાસ્પદ લાગતી હોવાથી ખરી ઉંમર જાણવા માટે આવતીકાલે બંનેનું તબીબી પરીક્ષણ કરાવશે. આ પ્રેમી યુગલ ભીલ પરિવારના સભ્યો છે અને તેમનો પરિવાર પાકિસ્તાનમાં ખેતી કામ સાથે સંકળાયેલાં છે.

તેઓના કબ્જામાંથી કોઈ જ દસ્તાવેજો, પૈસા, ઓળખપત્ર કે અન્ય શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નથી. પાકિસ્તાનથી નાસીને પ્રેમી યુગલ ડુંગર ઉપર ચડી વાગડના રતનપર વિસ્તારમાં પહોંચ્યા હતા. અંદાજે દોઢેક દિવસ પૂર્વે તેઓ પાકિસ્તાનમાંથી નાસ્યા હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

બન્નેએ ચંપલ પણ પહેર્યા ન હોતા. ડુંગર વિસ્તારમાં પાણી મળી રહેતા તેઓ આસાનીથી ભારતમાં પ્રવેશી શક્યા હતા. જો કે, સરહદી વિસ્તારમાં કોઈ સુરક્ષા એજન્સી કે પોલીસ તંત્ર દ્વારા શંકાસ્પદ હોવા અંગે કોઈ પૂછપરછ કરાઈ નહોતી તેમજ બન્ને કઈ રીતે રહેણાંક વિસ્તાર સુધી પહોંચી શક્યા તે મુદ્દો પોલીસ અને સુરક્ષા એજન્સીઓની તપાસ હેઠળ છે.

પાકિસ્તાનના થરપારકર પ્રાંતનું પ્રેમી યુગલ ભારતીય સરહદમાં કેવી રીતે ઘુસી આવ્યું તે અંગે સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. પોલીસ અને બીએસએફ દ્વારા યુગલનો કબ્જો લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે. પકડાયેલું પાકિસ્તાની પ્રેમી જોડું પોતે સગીર હોવાનું રટણ કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.