દાણીલીમડામાં પ્લોટની તકરારમાં બે ભાઇએ યુવકની હત્યાનો પ્રયાસ કર્યો

અમદાવાદ, દાણીલીમડા વિસ્તારમાં રહેતા યુવકે ભાગીદારીમાં પ્લોટ લીધો હતો. ત્યારબાદ તેનું મોત થયું હતું. જેથી મૃતકનો નાનો ભાઇ ભાગીદારો પાસે હિસ્સો માગી ઉઘરાણી કરતો હતો. આ મામલે તકરારમાં બે ભાઇએ યુવક પર છરા વડે હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કર્યાે હતો. બીજી તરફ લોહીલુહાણ હાલતમાં યુવકને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ મામલે દાણીલીમડા પોલીસે બે સગા ભાઇ સામે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.દાણીલીમડા વિસ્તારમાં એજાજઅહેમદ બશીરભાઇ શેખ પરિવાર સાથે રહે છે અને કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. એજાજઅહેમદના મોટાભાઇ રિયાઝ પણ તેની સાથે કામ કરતા હતા.
રિયાઝભાઇએ દોઢ વર્ષ પહેલાં દાણીલીમડા વિસ્તારમાં પટેલ મેદાન ખાતે રહેતા બાબુ બત્તી નામના વ્યક્તિ સાથે ૨૦૦ વારનો પ્લોટ પાર્ટનરશીપમાં ખરીદ્યો હતો. ત્યારબાદ રિયાઝભાઇનું કેન્સરની બીમારીના કારણે મોત થયું હતું.
બીજી તરફ રિયાઝભાઇ બીમાર હતા તે દરમિયાન બાબુ બત્તીએ પ્લોટમાં બાંધકામ કરી ત્રણ ચાર મકાન પણ તેમની જાણ બહાર વેચી દીધા હતા. જેથી ચાર મહિના અગાઉ ભાગ લેવા માટે એજાજઅહેમદ બાબુ પાસે ગયા હતા પરંતુ તે ગલ્લાં તલ્લાં કરતો હતો. ગઇકાલે રાત્રે ૯.૩૦ વાગ્યે બાબુના ભાઇ અસલમને એજાજઅહેમદે ફોન કર્યાે હતો. ત્યારે અસલમે એજાજઅહેમદને મળવા માટે બોલાવતા તે ગયો હતો.
ત્યારે ત્યાં બાબુ અને અસલમ બત્તી હાજર હતા અને એજાજઅહેમદે પ્લોટની વાત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તારો ભાઇ તો મરી ગયો ભાગ બાગ નહીં મળે. આટલુ કહ્યા બાદ ગાળો આપી માર મારવા લાગ્યા હતા. આ સમયે ગુસ્સે થયેલ બાબુએ ઘરમાંથી છરો લઇ આવ્યો હતો અને બે ત્રણ ઘા મારી દીધા હતા. જેથી એજાજઅહેમદ લોહીલુહાણ થઇ ગયો હતો અને નીચે પટકાયો હતો.
આ સમયે બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી ગયા હતા અને તેને લોહીલુહાણ હાલતમાં એલજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ મામલે એજાજઅહેમદે બાબુ અને તેના ભાઇ અસલમ બત્તી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવતા દાણીલીમડા પોલીસે તપાસ આદરી છે.SS1MS