ગુજરાત પોલીસના કોન્સ્ટેબલને પણ ડાર્કવેબ, AI જેવા વિષયોની આંતરરાષ્ટ્રીય કક્ષાની સાયબર સુરક્ષાલક્ષી તાલીમ અપાશે

NFSU, ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય સાયબર ક્રાઇમ વિરોધી ઝુંબેશ ‘હેક્ડ 2.0‘નું ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરાયું
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ખાતે આજે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ઉચ્ચ સ્તરીય સાયબર ક્રાઇમ વિરોધી ઝુંબેશ ‘હેક્ડ 2.0‘નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં AI-આધારિત છેતરપિંડી અને અત્યાધુનિક રેન્સમવેર જેવા વિકસતા ડિજિટલ જોખમો જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમથી બચવાનો એકમાત્ર ઉપાય એટલે જાગૃતિ. જે કોઈ સાયબર ક્રાઈમનો શિકાર બને તેણે તરત જ 1930 નંબર ડાયલ કરવો. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, ગ્રામીણ વિસ્તાર કરતાં શહેરી વિસ્તારના લોકો વધુ સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યાં છે. ખાસ કરીને વડીલો ડિજિટલ એરેસ્ટના શિકાર બની રહ્યાં છે. આ સ્થિતિમાં સાયબર ક્રાઈમ અંગેની જાગૃતિ અત્યંત જરૂરી છે.
આવા પડકારજનક સમયમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી અને ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા સામાજિક જવાબદારીના કરેલા આ મહત્ત્વપૂર્ણ પ્રયાસને મંત્રીશ્રીએ બિરદાવીને બંને સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા. “હેક્ડ 2.0” અભિયાન સમાજને સાયબર ક્રાઈમથી બચાવવા અને તેની જાળમાં લોકો ન ફસાય તે માટેના પ્રયાસ માટે મહત્વપૂર્ણ પગલું છે.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે સાયબર ક્રાઈમથી થતાં ગુનાઓમાં જતાં રહેલા રૂપિયાને અટકાવવાના કિસ્સાઓમાં ગુજરાત પોલીસને 42 ટકા સફળતા મળી છે. ગુજરાત પોલીસના કોન્સ્ટેબલને પણ ડાર્કવેબ, બ્લોકચેઈન, બીગ ડેટા, AI જેવા વિવિધ વિષયોની આંતરરાષ્ટ્રીય કક્ષાની સાયબર સુરક્ષાલક્ષી તાલીમ આપવામાં આવશે. જેનાથી આગામી વર્ષોમાં પડકારજનક ગુનાઓને અટકાવવામાં સફળતા પ્રાપ્ત થઈ શકે.
NFSUના કુલપતિ ‘પદ્મશ્રી‘ સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસે સાયબર ક્રાઈમ અને ડિજિટલ ફોરેન્સિક્સ સહિતની માહિતી આપીને એક મહત્ત્વની બાબત જણાવી હતી કે, લોકોએ મોબાઈલ કે ઈમેલમાં આવતી કોઈ પણ અજાણી અથવા અપ્રમાણિત લિંક્સ (unknown or unverified links) પર ક્લિક ન કરવું જોઈએ, કારણ કે એક જ ક્લિકથી તેઓની મહેનતની કમાણી લૂંટાઈ શકે છે.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ ડો. જે.એમ. વ્યાસના માર્ગદર્શનમાં સાયબર એક્સપર્ટ તૈયાર થઈ રહ્યાં છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના તંત્રી શ્રી હરિતભાઈ મહેતા જાગૃત પ્રહરી તરીકે પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ જવાબદારી વહન કરી રહ્યાં છે.
આ પ્રસંગે સીઆઈડી-ક્રાઈમ ડીજીપી શ્રી કે.એલ.એન.રાવ, ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રી નિપુણા તોરવણે, ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રેસિડેન્ટ એડિટર શ્રી હરિત મહેતા સહિત વિષય તજજ્ઞો ઉપસ્થિત હતા.