સી.આર. પાટીલે તેમના સુરત સ્થિત નિવાસસ્થાને સફાઈ કર્મચારીઓ માટે સ્નેહભોજનનું આયોજન કર્યું

“તેમનું યોગદાન અનુકરણીય,” મહેનતથી સુરતે રાષ્ટ્રીય ઓળખ બનાવી
સુરત, ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે દિવાળીના પાવન અવસર પર સુરત સ્થિત પોતાના નિવાસસ્થાને સ્વચ્છતા દૂતો (સફાઈ કર્મચારીઓ) માટે સ્નેહભોજનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી પાટીલે શહેરની સ્વચ્છતા જાળવતા આ કર્મનિષ્ઠ સાથીઓના સમર્પણ અને યોગદાનને બિરદાવ્યા હતા.
વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં યોગદાન: આ પ્રસંગે શ્રી પાટીલે જણાવ્યું હતું કે, આ કર્મનિષ્ઠ સાથીઓના અથાક પરિશ્રમ અને સમર્પણને કારણે જ સુરત શહેરે સ્વચ્છતાના ક્ષેત્રમાં દેશભરમાં એક વિશિષ્ટ ઓળખ બનાવી છે.
તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “સ્વચ્છ ભારત”ના સંકલ્પને યાદ કરતા કહ્યું કે, “આ સંકલ્પને સાકાર કરવામાં આપણા સ્વચ્છતા દૂતોનું યોગદાન અનુકરણીય છે.”
શ્રી પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે, તેમની નિષ્ઠા અને સેવા ભાવ સુરતને માત્ર સ્વચ્છ જ નહીં, પણ અન્ય શહેરો માટે પ્રેરણાદાયી શહેર બનાવવામાં પણ સહાયક સાબિત થયા છે. સમાપન કરતા, શ્રી પાટીલે તમામ સ્વચ્છતા દૂતોને હૃદયથી વંદન કરી દીપોત્સવની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.