Western Times News

Gujarati News

ગુજરાત સેમિકંડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને લોજિસ્ટિક્સનું હબ છે : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

ગુજરાત સેમિકંડક્ટર, આધુનિક લોજિસ્ટિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રોમાં ભારતના વિકાસ યાત્રાનો આધારભૂત સ્તંભ બની રહ્યું છે : કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ નોર્થ ગુજરાતનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે ઉદ્ઘાટન

Ahmedabad,  ગુજરાતના મહેસાણા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ,નોર્થ ગુજરાતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ગુજરાત સેમિકંડક્ટર, આધુનિક લોજિસ્ટિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રોમાં ભારતના વિકાસ યાત્રાનો આધારભૂત સ્તંભ બની રહ્યું છે. ગુજરાત સેમિકંડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને લોજિસ્ટિક્સનું હબ છે, જે ભારતને 2047 સુધીમાં વિકાસશીલ રાષ્ટ્ર બનાવવાના દિશામાં અગ્રેસર બનાવશે. આ ક્ષેત્રમાં કુલ ₹1,25,000 કરોડનું રોકાણ થયું હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રીએ મુખ્ય પ્રોજેક્ટસ જેમ કે, ધોલેરમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્લાન્ટ, સાણંદમાં માઇક્રોન ઉત્પાદન કેન્દ્ર તેમજ CG પાવર અને KECનાં પ્લાન્ટની પણ ચર્ચા કરી હતી.

તેમણે ઉમેર્યું કે આ ઇકોસિસ્ટમને કારણે લગભગ 30 જેટલી જાપાની કંપનીઓ ગુજરાતમાં આવતા જરૂરિયાતનાં કેમિકલ્સ, ગેસ અને સબસ્ટ્રેટ્સ પૂરાં પાડવા માટે યુનિટ સ્થાપી રહી છે. ઉદ્યોગમાં ઉપયોગી “અલ્ટ્રા પ્યોર” સામગ્રીની માપણી “પાર્ટસ પર બિલિયન”માં થાય છે, જે અન્ય ઉદ્યોગો જેમ કે ફાર્મા અને કેમિકલ માટે પણ ગુણવત્તાના ધોરણ ઊંચા કરશે.

કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજના માટે ₹1,15,000 કરોડના પ્રસ્તાવ મળ્યા છે. ગણપત યુનિવર્સિટી અને 12થી વધુ કોલેજોમાં અદ્યતન સેમિકંડક્ટર ટૂલ્સ અને 5G લેબ્સની તાલીમ શરૂ થઈ છે – જે ટેલેન્ટ વિકાસથી લઈને ડિઝાઇન અને ઉત્પાદન સુધી.સંપૂર્ણ મૂલ્ય શ્રેણી બનાવે છે એમ તેમણે જણાવ્યું હતું.

શ્રી વૈષ્ણવે ગુજરાતની સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા માટે પ્રશંસા કરી હતી. તેમણે ખાસ ખાવડા ખાતે વિશ્વની સૌથી મોટી ગ્રીન એનર્જી પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આજની દુનિયામાં જ્યારે લોકો પૂછે છે કે ઉત્પાદન ક્લીન એનર્જી દ્વારા ચાલે છે કે નહીં, ત્યારે ગુજરાત પાસે એક સ્પષ્ટ અને શક્તિશાળી જવાબ છે.”

શ્રી વૈષ્ણવે ગુજરાતમાં રેલવેની ઐતિહાસિક બદલાવની ચર્ચા કરતા કેટલીક મુખ્ય વિગતો જણાવી હતી કે ગુજરાતના રેલવે ક્ષેત્રમાં કુલ ₹1,46,000 કરોડનું રોકાણ થઈ રહ્યું છે. છેલ્લા 11 વર્ષમાં રાજ્યમાં 2,764 કિમી નવી રેલવે લાઈનો પથરાઈ ગઈ છે, જે ડેનમાર્ક દેશની કુલ રેલવે નેટવર્ક જેટલી છે.

બુલેટ ટ્રેન યોજના વિષે માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં ગુજરાત વિભાગમાં પ્રગતિશીલ કામ ચાલી રહ્યું છે. તેઓએ ઘોષણા કરી હતી કે 2027ના ઓગસ્ટમાં પહેલી બુલેટ ટ્રેન દોડશે. વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં ફ્રેઇટ કોરિડોર સંપૂર્ણ થયો છે, જેના લીધે કન્ટેનર ટ્રેનોના સમયગાળો 30 કલાકથી ઘટીને માત્ર 10-11 કલાક થયો છે. દરરોજ આશરે 400 ટ્રેનો પૂર્વ અને પશ્ચિમ કોરિડોર પર દોડી રહી છે.

સ્ટેશન સુધારાની ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે 87 રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ થઈ રહ્યું છે અને સાથે સાથે 332 ફ્લાયઓવર અને અંડરપાસ પણ બની રહ્યા છે.

“વિકસિત ભારત 2047” માટે સંકલ્પ અને સહયોગનું આહ્વાન અંગે શ્રી વૈષ્ણવે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં બદલાતી સ્થિતિનો ઉલ્લેખ કર્યો અને માનનીય પ્રધાનમંત્રીના દિશાનિર્દેશ “આપણે આપણા સામર્થ્યને મજબૂત બનાવવું પડશે અને આપણા માર્ગને વિશાળ બનાવવો પડશે.” ઉપર ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું, “છેલ્લા 2000 વર્ષમાં ભારત દુનિયાની ટોચની બે અર્થવ્યવસ્થાઓમાં સામેલ રહ્યું છે. હવે ફરીથી એ સ્થાન મેળવવાનો સમય આવ્યો છે.”

તેમણે ઉદ્યોગ જગત, શૈક્ષણિક સંસ્થાઓ અને વૈશ્વિક રોકાણકારોને ગુજરાત સરકારે તૈયાર કરેલી રૂપરેખા અને અભિયાનનો અભ્યાસ કરવા માટે આમંત્રણ આપ્યું અને કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને તરફથી પૂર્ણ સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું હતું.

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહ પહેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે મહેસાણામાં આયોજિત VGRCમાં ટ્રેડ શૉ અને એક્ઝિબિશન ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ  તેમજ અન્ય મહાનુભાવો VGRC પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જ્યાં વિવિધ ક્ષેત્રોની અત્યાધુનિક નવીનતાઓ, ઉત્પાદનો અને ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને ટકાઉ આર્થિક વિકાસના વિઝનને આગળ વધારવા માટે ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, MSMEs, સ્ટાર્ટઅપ્સ, વિદેશી ખરીદદારો, મોટી કંપનીઓ, સરકારી વિભાગો, PSUs અને વૈશ્વિક ભાગીદારોને એકસાથે લાવવાનો પ્રયાસ છે.

લગભગ 18 હજાર વર્ગ મીટરના વિશાળ પ્રદર્શન ક્ષેત્રમાં ટ્રેડ શૉમાં કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા તેમજ નવીનીકરણીય ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા 400થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યાં છે.

આ સિવાય ટોરેન્ટ, વેલ્સ્પન, NHPC, NTPC, કોસોલ, સુઝલોન, અવાડા, નિરમા, INOX, અદાણી, મારુતિ સુઝુકી, પાવરગ્રીડ કૉર્પોરેશન લિમિટેડ અને ONGC જેવી અગ્રણી કોર્પોરેટ કંપનીઓ પણ જોડાઈ છે.

આ ઉપરાંત પ્રદર્શનના ભાગરૂપે, દૂધસાગર ડેરી, ONGC, વેસ્ટર્ન રેલ્વે અને મકેન ફૂડ્સ જેવી સંસ્થાઓ સાથે વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (VDP)નું આયોજન કરવામાં આવશે, જેનો હેતુ ઉદ્યોગ જોડાણોને મજબૂત બનાવવા અને સ્થાનિક ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.