Western Times News

Gujarati News

દેશના GDPમાં ગુજરાતનો ફાળો ૮.૨ ટકા તથા દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૪૧ ટકા: ઉદ્યોગમંત્રી

૧૦ વર્ષની આંકડાકીય વિગતો જોઈએ તો વર્ષ ૨૦૦૩માં જે ઉત્પાદન હતું એ આજે ૨૨ લાખ કરોડ પહોંચ્યું છે. માથાદીઠ આવક પણ વધી છે. મેન્યુફેક્ચરીંગ ઉત્પાદન ૧.૫૦ લાખ કરોડથી વધીને ૨૨ લાખ કરોડ પહોંચ્યું છે. નાના ઉદ્યોગકારોની સંખ્યા પણ ૧.૪૦ લાખથી વધીને ૨૭ લાખ સુધી પહોંચી છે.

Mehsana, વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે સૌને આવકારતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવેલી ત્યારે રાજ્ય સામે અનેકવિધ પડકારો હતા. અનેક લોકોના મનમાં આ સમિટ અંગે ઘણી દ્વિધાઓ હતી. આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ એ સ્થિતિએ પહોંચી છે કે દેશ અને દુનિયાએ ગુજરાતની નોંધ લીધી છે.

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ વિશે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ૨૦૦૩માં શરૂઆત બાદ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો વ્યાપ સતત વધતો ગયો છે. તેની ૧૦મી આવૃતિએ અનેક નવા પરિમાણો પ્રસ્થાપિત કર્યા છે. ૧૦ વર્ષની આંકડાકીય વિગતો જોઈએ તો વર્ષ ૨૦૦૩માં જે ઉત્પાદન હતું એ આજે ૨૨ લાખ કરોડ પહોંચ્યું છે. માથાદીઠ આવક પણ વધી છે. મેન્યુફેક્ચરીંગ ઉત્પાદન ૧.૫૦ લાખ કરોડથી વધીને ૨૨ લાખ કરોડ પહોંચ્યું છે. નાના ઉદ્યોગકારોની સંખ્યા પણ ૧.૪૦ લાખથી વધીને ૨૭ લાખ સુધી પહોંચી છે.

ભારતના વિકાસમાં ગુજરાતના યોગદાનનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો ૮.૨ ટકા છે તથા દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૪૧ ટકા છે. ગુજરાતે જે સિદ્ધિ હાંસલ કરી છે તેમાં ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકારની સિંગલ વિન્ડો સિસ્ટમ અને હકારાત્મક પોલિસીઓનો મહત્તમ ફાળો છે.

મંત્રીશ્રીએ ઉત્તર ગુજરાતમાં વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સના આયોજનનો ઉદ્દેશ અને તેના પરિણામોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના એગ્રો બેઝ ઉત્પાદનો ઉપરાંત અન્ય ક્ષેત્રોના ઉદ્યોગોને બુસ્ટ અપ મળશે.

આ અવસરે વર્લ્ડ બૅન્કના દક્ષિણ એશિયા પ્રદેશના વાઇસ પ્રેસિડન્ટ શ્રી જોહાનેસ ઝૂટ, જાપાનના રાજદૂત મહામહિમ શ્રી કેઇચી ઓનો, વિયેતનામના રાજદૂત મહામહિમ શ્રી ન્ગુયેન થાન હાઇ, ટોરેન્ટ પાવરના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી જીનલ મહેતા, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સીઇઓ શ્રી કરણ અદાણી, ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ગણપત પટેલ તેમજ ભારતીય અંતરિક્ષ યાત્રી  શ્રી શુભાંશુ શુક્લા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉદ્ઘાટન સમારોહમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં સાંસદ શ્રી હરિભાઈ પટેલ અને શ્રી મયંકભાઇ નાયક, ગુયાનાના હાઈ કમિશનર શ્રી ધરમકુમાર સિરાજ, ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર શ્રી પેટ્રિક જ્હોન, રવાંડાના હાઈ કમિશનર શ્રી જેક્લીન મુકાનગીરા, યુ.કે.ના ડે. હાઈ કમિશનર શ્રી સ્ટીફન હિકલિંગ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રી મમતા વર્મા, વિવિધ વિભાગોના સચિવશ્રીઓ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ, ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, વૈશ્વિક ભાગીદારો, અગ્રણી કોર્પોરેટ કંપનીઓના સ્થાપક અને પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.