Western Times News

Gujarati News

બહિયલ ગામની મહિલા સરપંચ અફસાનાબાનુએ વોટ્‌સએપ મારફતે TDOને રાજીનામું આપ્યું

નવરાત્રીમાં બબાલ કરવી ભારે પડીઃ બહિયલમાં તોફાની તત્ત્વોના ગેરકાયદે દબાણો તોડાયા-બીજા નોરતે બહિયલ ગામમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો

ગાંધીનગર, ગાંધીનગરના દહેગામના બહિયલમાં પોલીસ અને તંત્ર ગુરૂવારે દ્વારા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝરની કાર્યવાહી કરી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ કાર્યવાહી નવરાત્રિ દરમિયાન બીજા નોરતાની રાત્રે થયેલી હિંસાના ભાગરૂપે કરવામાં આવી છે

. નોંધનીય છે કે, નવરાત્રિના બીજા નોરતે રાત્રિ બહિયલ ગામમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. ગરબાના કાર્યક્રમ દરમિયાન પથ્થરમારાની ઘટના થઈ હતી અને બાદમાં રોષે ભરાયેલા ટોળાએ ચાર દુકાનોમાં આગ ચાંપી દીધી હતી.

આ હિંસા દરમિયાન પોલીસે કાર્યવાહી કરી તો ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યાે હતો. પોલીસે ભારે જહેમત બાદ મામલો થાળે પાડ્યો હતો અને બાદમાં ૮૩ લોકો સામે નામજોગ અને આશરે ૨૦૦ જેટલાં અજાણ્યા તત્ત્વો સામે ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે અત્યાર સુધીમાં ૬૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે આ મામલે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. સોમવારે (૬ ઓક્ટોબર) ૫૧ દબાણ કરનારાઓને નોટિસ આપી બે દિવસમાં દબાણો ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવી હતી.

જોકે, સમય મર્યાદા પૂર્ણ થતા આજે માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા પંચાયત તેમજ પોલીસ તંત્રની ટીમે ગામમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તંત્ર દ્વારા તોફાની તત્ત્વોની દુકાનો અને ઘર તોડી પાડવામાં આવી રહ્યા છે. જેના કારણે ગામમાં ભય અને ચકચારનું વાતાવરણ છવાયું છે.

જોકે, આ કાર્યવાહી દરમિયાન ગામની મહિલા સરપંચ અફસાનાબાનુ ચૌહાણે અગમ્ય કારણોસર વોટ્‌સએપ મારફતે તાલુકા વિકાસ અધિકારીને પોતાનું રાજીનામું આપી દીધું છે. એવામાં બુલડોઝરની કાર્યવાહીની વચ્ચે રાજીનામું કેમ આપ્યું તે વિશે ચર્ચા ગરમાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.