1 હજારના દરની ૪૯૮ જુની ચલણી નોટો સાથે ચાર ઈસમો રાજપારડી નજીકથી ઝડપાયા

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝઘડિયાના રાજપારડી નજીકથી રૂપિયા એક હજારના દરની જુની ૪૯૮ નંગ ચલણી નોટો સાથે ચાર ઈસમોને ઝડપી લીધા હતા.
ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વિવિધ ગુનાઓ બનતા અટકાવવા અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે.ટોરાણી ટીમ સાથે રાજપારડી વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા
તે દરમિયાન બાતમી મળેલ કે રાજપારડીથી ઝઘડિયા જતા રોડ ઉપર હનુમાનજી મંદિર પાસે ચાર ઇસમો શંકાસ્પદ હાલતમાં ઉભેલા છે અને તેઓની પાસે એક ગુલાબી કલરનું સ્કુલ બેગ છે અને તેમાં શંકાસ્પદ ચીજવસ્તુ ભરેલ છે.
એલસીબીની ટીમે સ્થળ ઉપર જઇને તપાસ કરતા બાતમી મુજબના ચાર ઇસમો જણાતા તેમની તપાસ કરતા તેમની પાસેથી મળેલ સ્કુલબેગમાંથી રૂપિયા ૧૦૦૦ ના દરની જુની ચલણી નોટોના બંડલ મળી આવ્યા હતા.
બંડલમાં રહેલ નોટો ગણી જોતા રૂપિયા ૧૦૦૦ ના દરની ૪૯૮ નોટો મળી આવી હતી. બંધ થયેલ ચલણી નોટો હાલમાં ચલણમાં નથી તો જુની ચલણી નોટો સાથે કેમ રાખેલ છે તેમ પુછતા આ ઈસમો કોઈ વ્યવસ્થિત જવાબ આપી શકેલ નહિ,
તેથી એલસીબીની ટીમે જુની ચલણી ૪૯૮ નંગ નોટો તેમજ મોબાઇલ નંગ ચારનો મુદ્દામાલ કબ્જે લઈને આ ગુના હેઠળ પકડાયેલ ચાર ઈસમો (૧) જયંતી મંગળ વસાવા રહે.દેના તા.જી.વડોદરા, (૨) બળદેવ ઈશ્વર વસાવા રહે. ગોત્રી સેવાસી તા.જી.વડોદરા,(૩) શકિલ ઉર્ફે લાલા અનવર દિવાન રહે.નંદેલાવ તા.જી.ભરૂચ તેમજ (૪) બુધા ધુળા રાઠોડ રહે. ઠીકરીયા તા.જી.ભરૂચનાને અટકમાં લઈને રાજપારડી પોલીસને સોંપ્યા હતા.