હિમવર્ષા વચ્ચે 13 દિવસના પરિશ્રમ બાદ જામનગરના યુવકો લદ્દાખ 6248 મીટર ઉંચા શિખરે પહોંચ્યા

જામનગરના યુવકે ટીમ સાથે લદ્દાખ ક્ષેત્રમાં ૬ર૪૮ મીટર ઉંચાઈના અજાણ્યા શિખર પર આરોહણ કર્યુ
સતત હિમવર્ષા વચ્ચે ૧૩ દિવસના કઠોર પરિશ્રમ બાદ યુવકોએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી
જામનગર, જામનગર સિંચાઈ વિભાગમાં મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ પોતાની ટીમ સાથે ઝંસ્કાર, લદ્દાખ ક્ષેત્રમાં ૬ર૪૮ મીટર ઉંચાઈના અજાણ્યા શિખર પર આરોહણ કરી રેકોર્ડ સજર્યો છે. આ શિખર પર આજ દિન સુધી કોઈ ચઢયું નથી. હિમાલયન અભિયાનના ઈતિહાસમાં આ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન રેકોર્ડ છે.
આ અભિયાન કોઈ પણ બાહ્ય સહાયતા, ગાઈડ કે કુકની મદદ વગર છ સભ્યોની ટીમ દ્વારા સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે પૂર્ણ થયું. ટીમે સતત ૧૩ દિવસ સુધી હિમવર્ષામાં ટકી રહેવું પડયું હતું. અતિશય ઠંડી, ઉભા ખડકાળ ઢાળો, અને શિખર સર કરવાના દિવસે પણ પ થી ૬ ફૂટ જેટલી બરફની પરિસ્થિતિનો સામનો કર્યો. આ કઠોર પરિસ્થિતિઓને કારણે ત્રણ સભ્યોને પાછા ફરવું પડ્યું, જયારે બાકીના સભ્યોએ અદ્ભુત હિંમત અને સાહસ બતાવી શિખર સર કર્યું.
આવા અજાણ્યા શિખરો માટેની આરોહણ પહેલાંની તૈયારી, વિગતવાર પ્લાનિંગ અને શિખર અંગેનું રિસર્ચ અભિયાનને સફળ બનાવવામાં અનિવાર્ય બની રહે છે. અનામી પર્વત પર પ્રથમ વખત સર કરનાર ટીમ દ્વારા તેનું નામકરણ કરાત હોય છે તે પ્રથાને આગળ ધપાવતા જામનગરના નચિકેતા ગુપ્તા અને તેમની ટીમે આ પર્વતનું નામ માઉન્ટ તારા આપ્યું છે. આ નામ આસ્થા, આધ્યાÂત્મક શક્તિ અને દિવ્ય ઉર્જાનું પ્રતિબિંબ છે.
અસાધારણ ટીમવર્ક અને સંકલ્પ સાથે, નચિકેતા અને તેમની ટીમે કઠિન ભૌગોલિક અને કપરી આબોહવાની પરિસ્થિતિઓને પાર પાડીને આધુનિક ભારતીય પર્વતારોહણમાં એક વિશ્વસ્તરીય પ્રથમ સિદ્ધિ હાંસલ કરી છે. કોલકાતાના અરિત્રા ચેટર્જીએ આ ટીમની આગેવાની કરી હતી.
આ ઐતિહાસિક સિદ્ધિ સમગ્ર ગુજરાત અને જામનગર માટે વિશેષ ગૌરવનો વિષય બની રહે છે, જે નવી પેઢીને પ્રેરણા પુરી પાડે છે.